ભચાઉ પોલીસ સ્ટેશનમાં ફરી એ જ પોલીસ કર્મીની એન્ટ્રી?

0
વર્ષો જૂની ઘટનાથી લઈને વર્તમાન ફરજ સુધી ઉઠ્યા ગંભીર સવાલો, ઉચ્ચ અધિકારીઓ તપાસ કરશે?
       “આખરે ભચાઉનું થશે શું?” — પોલીસ તંત્રની કામગીરી સામે લોકોમાં ચર્ચા
ભચાઉ પોલીસ સ્ટેશન સાથે જોડાયેલી વર્ષો જૂની એક ઘટનાએ ફરી ચર્ચા જગાવી છે. અગાઉ ભચાઉ પોલીસ સ્ટેશનમાંથી કેટલાક આરોપીઓના બહાર નીકળી જવા અંગે ગંભીર સવાલો ઊભા થયા હતા. આ ઘટનામાં પોલીસ સ્ટેશનની અંદરની વ્યવસ્થા, દરવાજા ખુલ્લા રહેવા અને આરોપીઓને બહાર નીકળવાની તક કેવી રીતે મળી તે અંગે તે સમયે પણ ચર્ચા થઈ હોવાનું સ્થાનિકોમાંથી જાણવા મળે છે.સ્થાનિક સ્તરે થતી ચર્ચા મુજબ, ત્રણ આરોપીઓને પોલીસ સ્ટેશનમાંથી છોડવામાં આવ્યા હોવાની વાતો પણ સામે આવી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની બેદરકારી થઈ હતી કે પછી કોઈના ઈશારે વ્યવસ્થા કરવામાં આવી હતી? તે બાબત આજે પણ સવાલ બનીને ઊભી છે.આ ઘટનાને લઈને વધુ એક ચર્ચાસ્પદ બાબત એ છે કે પોલીસ સ્ટેશનના પરિસરમાં બ્લેક સ્કોર્પિયો હોવાની વાત પણ તે સમયે ચર્ચામાં હતી. જો આ બાબત સાચી હોય તો સવાલ એ થાય છે કે પોલીસ સ્ટેશન જેવી સુરક્ષિત જગ્યામાં વાહન કેવી રીતે અને કયા સંજોગોમાં આવ્યું હતું? આરોપીઓને બહાર નીકળવાની તક કેવી રીતે મળી? અને તે સમયે ફરજ પર રહેલા પોલીસ કર્મચારીઓની જવાબદારી શું હતી? 
             હવે વર્ષો બાદ ફરી એ જ નામ ચર્ચામાં કેમ?
હાલમાં જે વાત સૌથી વધુ ચર્ચામાં છે તે એ છે કે અગાઉની આ સમગ્ર ઘટનાના સંદર્ભમાં ચર્ચામાં રહેલા એક પોલીસ કર્મચારી ફરી ભચાઉ વિસ્તારમાં ફરજ પર આવ્યા હોવાની માહિતી સામે આવી રહી છે.આ કારણે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે. ((શું અગાઉની ઘટનાની કોઈ વિભાગીય તપાસ થઈ હતી?,જો તપાસ થઈ હતી તો તેનું પરિણામ શું આવ્યું?,કોઈ જવાબદારી નક્કી થઈ હતી કે નહીં?,અને જો ગંભીર સવાલો ઊભા થયા હતા તો ફરી એ જ વિસ્તારમાં ફરજ સોંપવાનું કારણ શું? “વહીવટ”ના આક્ષેપોની પણ તપાસ જરૂરી
ભચાઉ પોલીસ સ્ટેશનને લઈને સ્થાનિક સ્તરે અગાઉથી જ “વહીવટ” અને પોલીસ-ગુનાહિત પ્રવૃત્તિઓ વચ્ચેના કથિત સંબંધોને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ થતી રહી છે.કેટલાક લોકો એવો આક્ષેપ કરી રહ્યા છે કે કેટલાક કિસ્સાઓમાં કાયદેસરની કાર્યવાહી કરતાં સમાધાન, વહીવટ કે ઓળખાણને વધુ મહત્વ મળતું હોવાની શંકા ઊભી થાય છે.આવા આક્ષેપો સાચા છે કે માત્ર અફવા છે તે તપાસનો વિષય છે. પરંતુ જો પોલીસ તંત્ર સામે વારંવાર આવા સવાલો ઊભા થતા હોય તો ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેની ગંભીરતાથી તપાસ થવી જરૂરી છે.
    ગુનેગાર સાથે સંબંધ કે પછી માત્ર ફરજમાં બેદરકારી?
 સ્થાનિકોમાં સૌથી મોટો સવાલ એ પણ ચર્ચાઈ રહ્યો છે કે જો કોઈ પોલીસ કર્મચારી અને ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો વચ્ચે નજીકના સંબંધો હોવાના આક્ષેપો હોય તો તેની તપાસ કેમ ન થવી જોઈએ?,શું ખરેખર કોઈ પોલીસ કર્મચારીના ગુનાહિત તત્વો સાથે સંબંધો છે?શું આવા સંબંધોના કારણે કોઈને પોલીસ કાર્યવાહીમાંથી રાહત મળતી હતી?,કે પછી સમગ્ર મામલો માત્ર ફરજમાં બેદરકારી પૂરતો જ હતો? આ તમામ પ્રશ્નોના જવાબ તપાસ બાદ જ મળી શકે.
    પૂર્વ કચ્છમાં અગાઉની કામગીરી પણ તપાસના દાયરામાં આવે?
 સ્થાનિકો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે ભચાઉમાં આવતા પહેલાં આ પોલીસ કર્મી પૂર્વ કચ્છના અન્ય વિસ્તારમાં ફરજ બજાવી ચૂક્યા છે અને ત્યાં તેમની કામગીરીને લઈને પણ કેટલાક ગંભીર આક્ષેપો અને ચર્ચાઓ થઈ હતી.કેટલાક સ્થાનિક યુવકોના જણાવ્યા મુજબ, ચોક્કસ વિસ્તારમાં મોટા પાયે કૌભાંડો અને ગેરરીતિઓ અંગે પણ તેમના નામને લઈને ચર્ચાઓ થઈ હતી.જો આવા આક્ષેપો અંગે અગાઉ કોઈ લેખિત ફરિયાદ, પોલીસ રેકોર્ડ, વિભાગીય તપાસ કે અન્ય સત્તાવાર નોંધ હોય તો તેની પણ તપાસ થવી જોઈએ.
    હવે નજર પૂર્વ કચ્છના SP પર :- આ સમગ્ર મામલે હવે લોકોની નજર પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર તરફ છે. "લોકોમાં સવાલ છે કે—" શું SP સાહેબ આ સમગ્ર મામલાની હકીકત જાણવા માટે આંતરિક તપાસ કરાવશે?,શું વર્ષો જૂની પોલીસ સ્ટેશનમાંથી આરોપીઓના બહાર નીકળી જવાની ઘટનાની ફાઇલ ફરી ખોલવામાં આવશે?,શું સંબંધિત પોલીસ કર્મચારીની અગાઉની કામગીરીનો રેકોર્ડ તપાસવામાં આવશે?,અને જો કોઈ ગેરરીતિ કે બેદરકારી સામે આવે તો જવાબદાર સામે કાર્યવાહી થશે?
          પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ સામે આક્ષેપ થાય ત્યારે માત્ર આક્ષેપોને અવગણવાને બદલે નિષ્પક્ષ તપાસ કરીને હકીકત સામે લાવવી જરૂરી છે.કારણ કે પોલીસ પ્રત્યે જનતાનો વિશ્વાસ સૌથી મહત્વનો છે.
   “ભચાઉ પોલીસ સ્ટેશનમાં વર્ષો પહેલાં જે સવાલો ઊભા થયા હતા, એ જ સવાલો ફરી ઊભા ન થાય તેની જવાબદારી હવે કોણ લેશે?” ભચાઉનું પોલીસ તંત્ર પારદર્શક બનશે કે ફરી ‘વહીવટ’ અને ઓળખાણની ચર્ચાઓ વચ્ચે સામાન્ય જનતાનો વિશ્વાસ દાવ પર લાગશે? હવે આ સમગ્ર મામલે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ શું પગલું ભરે છે તેના પર સૌની નજર છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top