સામખીયારી પોલીસની હદમાં દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા હોવાની ચર્ચા: પોલીસની કામગીરી સામે ઉઠ્યા સવાલો
August 31, 2026
0
પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર દારૂના વેપલા સામે પોલીસ દ્વારા વિવિધ સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી રહી હોવા છતાં સામખીયારી પોલીસ સ્ટેશનની હદમાં દેશી દારૂના હાટડા ધમધમી રહ્યા હોવાની લોકચર્ચાએ અનેક સવાલો ઉભા કર્યા છે.સ્થાનિકોમાં થતી ચર્ચા મુજબ સામખીયારી નજીકના કેટલાક વિસ્તારોમાં દેશી દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. એટલું જ નહીં, કેટલાક દેશી ઢાબાઓમાં પણ ગ્રાહકોને ગ્લાસમાં દેશી દારૂ પીરસવામાં આવતો હોવાની ચર્ચા છે. જો આ આક્ષેપોમાં તથ્ય હોય તો દારૂબંધીના કાયદાના અમલ સામે ગંભીર પ્રશ્નો ઊભા થાય છે.સૌથી વધુ ચર્ચાનો વિષય એ છે કે સામખીયારી પોલીસ સ્ટેશનથી થોડે જ અંતરે આવેલી એક હોટલમાં અગાઉ અન્ય તપાસ એજન્સી દ્વારા વિદેશી દારૂ ઝડપાયો હોવાની વાત સામે આવી હતી. સ્થાનિક ચર્ચા મુજબ ત્યારબાદ ત્યાં દેશી દારૂના વેચાણની પ્રવૃત્તિ શરૂ થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.સ્થાનિકોનો સવાલ છે કે જો આ સ્થળે ખરેખર ગેરકાયદેસર દારૂનું વેચાણ થતું હોય તો પોલીસની નિયમિત પેટ્રોલિંગ અને અવરજવર છતાં કાર્યવાહી કેમ થતી નથી? પોલીસની ગાડીની સતત અવરજવર હોવા છતાં ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ હોવાના આક્ષેપો સાચા હોય તો તેની જવાબદારી કોની? શું સામખીયારી પોલીસને આ પ્રવૃત્તિની જાણ નથી? શું સ્થાનિક પોલીસની નજર સામે જ દારૂનો વેપલો ચાલી રહ્યો છે? શું બહારની ટીમ દરોડો પાડે ત્યારે જ કાર્યવાહી થશે? કે પછી સામખીયારી પોલીસની હદમાં દારૂના હાટડાઓને કોઈ છૂટ મળી ગઈ છે? આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ તપાસ કરાવી, જો આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ તેમજ ગેરકાયદેસર દારૂના વેપલાને પ્રોત્સાહન આપનાર સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે.હાલ આ તમામ બાબતો સ્થાનિકોમાં ચાલતી ચર્ચા અને આક્ષેપોના આધારે રજૂ કરવામાં આવી રહી છે. પોલીસ તંત્ર દ્વારા તપાસ બાદ જ હકીકત સ્પષ્ટ થશે. સામખીયારી પોલીસનો સત્તાવાર પક્ષ મળ્યા બાદ તેને પણ સમાચાર સાથે સ્થાન આપવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે સામખીયારી પોલીસ આ ચર્ચાઓ અને આક્ષેપો અંગે શું કાર્યવાહી કરે છે અને ગેરકાયદેસર દારૂના હાટડા સામે ક્યારે કડક પગલાં ભરાય છે.
Tags
Share to other apps

