સામખીયારી વિસ્તારમાં બેફામ રેતીચોરીના આક્ષેપો: ખનિજ માફિયા અને પોલીસની સાંઠગાંઠ છે કે કેમ? તપાસની માંગ

0
સામખીયારી પોલીસ સ્ટેશનની હદમાં શિકારપુર સીમ વિસ્તારમાં મોટા પાયે ગેરકાયદેસર રેતીચોરી ચાલી રહી હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રેતીના બેફામ ખનનથી કુદરતી સંપત્તિને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે સમગ્ર મામલે ખાણ-ખનિજ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.ચર્ચાનો સૌથી ગંભીર મુદ્દો એ છે કે ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી કે એન્ટ્રી પહેલાં કથિત રીતે ખનિજ માફિયાઓને કોઈ માહિતી પહોંચાડે છે કે કેમ? જો આવી કોઈ માહિતી લીક થતી હોય તો તે કોણ કરે છે અને તેના પાછળ કોની ભૂમિકા છે, તેની નિષ્પક્ષ તપાસ થવી જરૂરી છે.સ્થાનિક સ્તરે એવો પણ આક્ષેપ થઈ રહ્યો છે કે ખનિજ ચોરીનો વિરોધ કરનારા લોકોને કેટલાક જવાબદાર અધિકારીઓ દ્વારા ડરાવી-ધમકાવીને ચૂપ કરાવવાનો પ્રયાસ થાય છે. આ આક્ષેપોની પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગંભીરતાથી તપાસ થવી જોઈએ.સામખીયારી પોલીસના કેટલાક જવાબદાર અધિકારીઓના કથિત ફોન સંપર્કો અને ખનિજ ચોરી સાથે સંકળાયેલા લોકો વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ? તેની તપાસ માટે કોલ ડિટેઇલ રેકોર્ડ, પેટ્રોલિંગની નોંધ, ફરિયાદોની વિગતો તથા ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહીનો રેકોર્ડ તપાસવામાં આવે તો હકીકત બહાર આવી શકે છે.માત્ર રેતીચોરી જ નહીં, પરંતુ સામખીયારી પોલીસ સ્ટેશનની હદમાં દારૂ, નશીલા પદાર્થો તથા લોખંડના કથિત ગેરકાયદેસર વેપાર અંગે પણ સમયાંતરે ચર્ચા થતી રહે છે. આવા ગંભીર આક્ષેપો વચ્ચે સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે.હવે જો ઉચ્ચ કક્ષાની એક નિષ્પક્ષ ટીમ દ્વારા સામખીયારી વિસ્તારનું અચાનક પેટ્રોલિંગ, રેતીના સ્ટોક અને વાહનોની ચકાસણી, ખાણ-ખનિજ વિભાગના રેકોર્ડની તપાસ તથા પોલીસ અધિકારીઓના કથિત સંપર્કોની તપાસ કરવામાં આવે તો સમગ્ર મામલાની સાચી હકીકત બહાર આવી શકે છે.પ્રશ્ન એ છે કે શિકારપુર સીમમાં ચાલતી કથિત રેતીચોરી સામે હવે કડક કાર્યવાહી થશે કે પછી જવાબદારોને બચાવવાનો પ્રયાસ થશે?પૂર્વ કચ્છના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ખાણ-ખનિજ વિભાગના જવાબદાર અધિકારીઓ આ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી હકીકત જાહેર કરે તેવી સ્થાનિકોની માંગ છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top