ભાવનગરમાં લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના બની, અનેક પરિવારોના ચિરાગ બુઝાઈ ગયા અને સમગ્ર ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો કરવામાં આવી. પરંતુ બીજી તરફ પૂર્વ કચ્છના સામખીયાળી પોલીસ સ્ટેશનની હદમાં દારૂનો ગેરકાયદે વેપલો મોટા પાયે ચાલી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવતા પોલીસ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા છે.મળતી માહિતી અને સ્થાનિક સ્તરે થઈ રહેલી ચર્ચા મુજબ સામખીયાળી ખાતે આવેલી ET કંપનીની કોલોની તથા કંપનીની બહાર આવેલી ઝૂંપડીમાં સાંજ પડતાં જ દારૂના વેચાણનો વેપલો ધમધમતો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.સવાલ એ છે કે જો આ પ્રવૃત્તિ ખરેખર ચાલી રહી હોય તો સ્થાનિક પોલીસને તેની જાણ કેમ નથી? જો પોલીસને જાણ છે તો કાર્યવાહી કેમ નથી? અને જો પોલીસને જાણ નથી તો પછી પોલીસનું પેટ્રોલિંગ વ્યવસ્થા શું કરી રહી છે? પોલીસ સ્ટેશનથી નજીક ગેરકાયદે પ્રવૃત્તિ ચાલે તો જવાબદારી કોની? સામખીયાળી પોલીસની હદમાં દારૂના વેપલાના આક્ષેપો માત્ર એક સ્થળ પૂરતા સીમિત નથી. સામખીયાળીથી આશરે 10 કિલોમીટરના અંતરે આવેલા એક ગામમાં પણ મોટા પાયે વિદેશી દારૂનો વેપલો ચાલી રહ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે.જો આ માહિતીમાં તથ્ય હોય તો આ સામાન્ય બાબત નથી. દારૂના જથ્થા ક્યાંથી આવે છે? કોણ સપ્લાય કરે છે?કોણ વેચાણ કરે છે?કયા વાહનો મારફતે દારૂ પહોંચે છે?અને સૌથી મહત્વનો સવાલ—આટલો મોટો વેપલો સ્થાનિક પોલીસની નજરથી કેવી રીતે બચી શકે? 'મીઠાઈના બોક્સ'ની ચર્ચા સાચી કે માત્ર અફવા? સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચાઓ ચાલી રહી છે કે દારૂના ગેરકાયદે વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકોના પોલીસ અથવા અન્ય અધિકારીઓ સાથે સારા સંબંધો હોવાના કારણે તેમની સામે કાર્યવાહી થતી નથી.કેટલાક લોકો તો મહિને મહિને 'મીઠાઈના બોક્સ' પહોંચતા હોવાની ચર્ચા પણ કરી રહ્યા છે.અહીં સ્પષ્ટ કરવું જરૂરી છે કે આ પ્રકારના આક્ષેપોની સત્યતા તપાસનો વિષય છે. પરંતુ જો આવી ચર્ચા જાહેરમાં થઈ રહી હોય તો શું પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તેની ગંભીરતાથી તપાસ ન કરવી જોઈએ? શું કોઈ પોલીસ કર્મચારી અથવા અધિકારીની મિલીભગત છે? શું કોઈ પ્રકારની હપ્તાખોરી થઈ રહી છે?
ભાવનગરની ઘટના પછી પણ જો દારૂ વેચાય તો જવાબદારી નક્કી થવી જોઈએ
ભાવનગરમાં થયેલી દુઃખદ ઘટના બાદ દારૂના ગેરકાયદે વેપાર સામે સરકાર અને પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહીનો સંદેશ આપવામાં આવ્યો છે. ત્યારે સામખીયાળી જેવી જગ્યાએ જો ખુલ્લેઆમ દારૂ વેચાતો હોવાના આક્ષેપો સાચા હોય તો તે સમગ્ર દારૂબંધીની વ્યવસ્થાને પડકારતી બાબત ગણાય.
લઠ્ઠાકાંડ બાદ પણ જો બુટલેગરો બેફામ હોય તો સામાન્ય લોકોમાં પોલીસ તંત્ર અંગે વિશ્વાસ કેવી રીતે જળવાઈ રહેશે?
દારૂના વેપલાથી માત્ર કાયદો જ નહીં પરંતુ યુવાનો, પરિવારો અને સમગ્ર સામાજિક વાતાવરણને નુકસાન પહોંચે છે. આવી પ્રવૃત્તિ સામે આંખ આડા કાન કરવાને બદલે તેના મૂળ સુધી પહોંચવાની જરૂર છે.
શું પૂર્વ કચ્છના SP સામખીયાળી પહોંચશે?
હવે સૌથી મોટો સવાલ એ છે કે પૂર્વ કચ્છના પોલીસ અધિક્ષક સાગર બાગમાર, IPS આ ગંભીર આક્ષેપોની નોંધ લેશે કે નહીં? શું તેઓ સામખીયાળી પોલીસ સ્ટેશનની કામગીરીની આંતરિક તપાસ કરાવશે?શું ET કંપનીની કોલોની અને આસપાસના વિસ્તારોમાં અચાનક તપાસ હાથ ધરાશે?શું 10 કિલોમીટર દૂરના ગામમાં ચાલતા હોવાના આક્ષેપવાળા વિદેશી દારૂના વેપલાની તપાસ થશે?અને જો તપાસ દરમિયાન કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીની બેદરકારી, મિલીભગત અથવા ફરજમાં ગંભીર ચૂક સામે આવે તો શું જવાબદારી નક્કી કરવામાં આવશે?આ સવાલોના જવાબ હવે પૂર્વ કચ્છની પોલીસ પાસેથી લોકો અપેક્ષા રાખી રહ્યા છે.ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે. દારૂના વેપલાના આક્ષેપોની હકીકત જાણવા માટે ET કંપનીની આસપાસના વિસ્તારો, શંકાસ્પદ સ્થળો અને સામખીયાળીથી આશરે 10 કિલોમીટર દૂર આવેલા ગામમાં અચાનક ચેકિંગ કરવામાં આવે તો સમગ્ર હકીકત બહાર આવી શકે છે.જો આક્ષેપો ખોટા હોય તો પણ તપાસથી પોલીસ તંત્રનું નામ સ્પષ્ટ થશે અને જો આક્ષેપો સાચા હોય તો જવાબદાર બુટલેગરો તથા તેમને છાવરતા તત્વો સામે કડક કાર્યવાહીનો માર્ગ ખુલશે.હવે જોવાનું એ રહ્યું કે આ ગંભીર આક્ષેપો માત્ર કાગળ પર જ રહેશે કે પછી પૂર્વ કચ્છ પોલીસ તંત્ર ખરેખર મેદાનમાં ઉતરી સામખીયાળીના દારૂના વેપલાની હકીકત બહાર લાવશે?
અહેવાલ : જયેશ ધેયડા કચ્છ

