ભચાઉ નાયબ કલેક્ટર કચેરી તથા મામલતદાર કચેરીની નબળી કામગીરી સામે આજે ભચાઉમાં એક જાગૃત યુવક દ્વારા અનશન આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. લાંબા સમયથી રજૂઆત કરવા છતાં સંબંધિત કચેરીઓ દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવામાં ન આવતા આખરે પરિવારે અનશનનો રસ્તો અપનાવ્યો છે.
અનશનકર્તા યુવકે આક્ષેપ કર્યો છે કે નાયબ કલેક્ટર તથા મામલતદાર કચેરીમાં અરજીઓ પડતી રાખવામાં આવી છે અને ન્યાય મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે.
સામાન્ય નાગરિકોની સમસ્યાઓ પ્રત્યે તંત્ર સંપૂર્ણપણે નિષ્ક્રિય બની ગયું હોવાનું તેમણે જણાવ્યું હતું.
પરિવારજનોએ જણાવ્યું કે યોગ્ય અને સમયસર કાર્યવાહી કરવામાં આવી હોત તો અનશન આંદોલનની જરૂર ન પડત. હવે તંત્ર જાગે અને તાત્કાલિક યોગ્ય નિર્ણય લે તેવી માંગ સાથે આ અનશન શરૂ કરવામાં આવ્યું છે.
આ ઘટનાને પગલે કચેરી બહાર લોકોની ભીડ જામી હતી અને તંત્રની કામગીરી સામે નારાજગી જોવા મળી હતી. જો વહેલી તકે સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ચીમકી અનશનકર્તા દ્વારા આપવામાં આવી છે.

