રજુઆતમાં જણાવ્યા મુજબ ઇલેક્ટ્રોથર્મ કંપની દ્વારા કરવામાં આવેલ બાંધકામ માટે જમીન મહેસુલ અધિનિયમ હેઠળ જરૂરી એવી કોઈ મંજૂરી લેવામાં આવી નથી. કંપની દ્વારા કરવામાં આવેલ બાંધકામ લેઆઉટ પ્લાન મુજબ નથી તેમજ લેઆઉટ પ્લાનની એકથી અઢાર શરતોનું ગંભીર રીતે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.
રજા ચિઠ્ઠી વિના થયેલ બાંધકામ દૂર કરવાની સત્તા સ્થાનિક સત્તા મંડળને આધીન હોવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે તંત્રની ભૂમિકા શંકાસ્પદ બની છે.
આ ઉપરાંત કંપની દ્વારા દરરોજ સાંજે ૬:૦૦ વાગ્યા પછી ચીમની શરૂ કરવામાં આવે છે, જેમાંથી ઝેરી કેમિકલયુક્ત ધુમાડો નીકળે છે. તેના કારણે સામખીયારી ગામ સહિત આસપાસના વિસ્તારોના રહેવાસીઓ અને ખેડૂતો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે.
ભારે પ્રદૂષણના કારણે કંપનીની આજુબાજુની જમીન બંજર બની ચૂકી છે અને ખેડૂતોને પાકમાં ભારે નુકસાન વેઠવું પડી રહ્યું છે. પૂરતો પાક મળી રહ્યો નથી અને અનેક વખત પાક નિષ્ફળ જઈ રહ્યો છે.
ભૂતકાળમાં પણ આ કંપની વિરુદ્ધ અનેક રજૂઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી પ્રશાસન દ્વારા કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી. જેથી હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
અંતમાં સામખીયારીના રહેવાસી રબારી રાણાભાઈ પબાભાઈ દ્વારા નમ્ર પરંતુ કડક માંગ કરવામાં આવી છે કે ઉપરોક્ત ઇલેક્ટ્રોથર્મ કંપની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે.
જો આવનારા ૭ દિવસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે કચ્છ કલેક્ટર સમક્ષ રજૂઆત કરવાની ફરજ પડશે, તેવી સ્પષ્ટ ચેતવણી પણ આપવામાં આવી છે.
અહેવાલ : જયેશ ધેયડા ભચાઉ

