ભચાઉના નવચેતન વૃદ્ધાશ્રમમાં મતદાર જાગૃતિનો અનોખો કાર્યક્રમ, વડીલોએ લીધા ફરજિયાત મતદાનના શપથ
April 22, 2026
0
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ-૨૦૨૬ને ધ્યાનમાં રાખીને ભચાઉના શ્રી નવચેતન વૃદ્ધાશ્રમ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વરિષ્ઠ નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.કાર્યક્રમ દરમિયાન PWD અને SVAP ના નોડલ ઓફિસર તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડી. જે. દેસાઈએ વડીલોને મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે લોકશાહીને મજબૂત બનાવવા માટે દરેક મતદારે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવો જરૂરી છે. ખાસ કરીને વડીલો સમાજ માટે પ્રેરણારૂપ બની શકે છે અને તેમના મતદાનથી અન્ય લોકો પણ પ્રેરાય છે.આ કાર્યક્રમમાં ૭૬થી વધુ વરિષ્ઠ નાગરિકોએ હાજરી આપી હતી. તમામ વડીલોએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફરજિયાત મતદાન કરવા માટે શપથ લીધા હતા અને અન્ય લોકોને પણ મતદાન માટે પ્રેરિત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.કાર્યક્રમમાં સહ PWD નોડલ ઓફિસર એન.એસ. ચૌહાણ, સંસ્થાના મંત્રી વનરાજસિંહ જાડેજા સહિત અન્ય સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં મતદાન અંગે જાગૃતિ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
Tags
Share to other apps

