ચૂંટણી પૂર્વે લાકડીયા પોલીસનો સપાટો: ગેરકાયદેસર હથિયાર સાથે યુવાન ઝડપાયો
April 23, 2026
0
ભચાઉ તાલુકામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા મતદારોને નિર્ભય વાતાવરણ પૂરૂં પાડવા સઘન કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી ચીરાગ કોરડીયા તથા પૂર્વ કચ્છ ગાંધીધામના પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કાબૂમાં લેવા માટે ખાસ દિશાનિર્દેશ આપવામાં આવ્યા છે.આ સુચનાઓના અનુસંધાને ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક શ્રી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ લાકડીયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. કુગસીયા તથા તેમની ટીમ દ્વારા વિસ્તારમા પેટ્રોલિંગ દરમિયાન મહત્વપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.
પોલીસ સ્ટાફ પ્રાઇવેટ વાહનમાં પેટ્રોલિંગ દરમિયાન ચાંન્દ્રોડી મોથાળાવાંઢ (મુસાવાંઢ) સીમ વિસ્તારમાં ખેતરો તરફ જતા બાવળોની ઝાડીવાળા રસ્તા પાસે ખેત તલાવડી નજીક એક શંકાસ્પદ ઇસમ જોવા મળ્યો હતો.પોલીસે તરત જ કાર્યવાહી કરી શંકાસ્પદ ઇસમને કાબૂમાં લઈ તપાસ કરતાં તેની પાસે દેશી હાથ બનાવટની એક નાળવાળી બંદુક મળી આવી હતી. ગેરકાયદેસર હથિયાર રાખવા બદલ આરોપી વિરુદ્ધ લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૧૧૯૯૩૦૧૧૨૬૦૦૭૧/૨૦૨૬ આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧-બી)એ હેઠળ નોંધવામાં આવ્યો છે.પકડાયેલા આરોપીની ઓળખ લાલમામદ ઉર્ફે લાલો અભરામ ઉર્ફે ઈબ્રાહિમ સમા (ઉંમર ૨૪ વર્ષ, રહે. મોથાળાવાંઢ, ચાંન્દ્રોડી તા. ભચાઉ, કચ્છ) તરીકે થઈ છે. આરોપીનો અગાઉ પણ ગુનાહિત ઈતિહાસ હોવાનું સામે આવ્યું છે, જેમાં લાકડીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૧૧૯૯૩૦૧૧૨૨૦૦૪૮/૨૦૨૨ હેઠળ ચોરી સંબંધિત કલમો તથા સામખિયાળી પોલીસ સ્ટેશનમાં ગુનો નં. ૧૧૯૯૩૦૦૧૨૫૦૨૮૩/૨૦૨૫ હેઠળ ગંભીર ગુનાઓમાં સંડોવણી નોંધાઈ છે.આ સમગ્ર કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર સી.એસ. કુગસીયા તથા લાકડીયા પોલીસ સ્ટાફના સક્રિય પ્રયાસોથી સફળતાપૂર્વક પાર પાડવામાં આવી છે. જિલ્લા પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર હથિયારો અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે, જેથી ચૂંટણી શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ માહોલમાં પૂર્ણ થઈ શકે.
Share to other apps

