ભચાઉમાં બુટલેગર “ભાવો” બેફામ ? દારૂબંધી વચ્ચે ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના વેપલાને લઈ પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો

0
કચ્છ જિલ્લાના ભચાઉ શહેરમાં દારૂબંધીના કાયદા વચ્ચે છેલ્લા લાંબા સમયથી ચાલી રહેલા વિદેશી દારૂના વેપલાને લઈ ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે. શહેરમાં અનેક બુટલેગરોના બે નંબરના ધંધાઓ પર કાર્યવાહી થઈ બંધ થઈ ગયા હોવાની ચર્ચા વચ્ચે હવે “ભાવો” નામનો શખ્સ ખુલ્લેઆમ અને બેફામ રીતે વિદેશી દારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાના આક્ષેપો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.સ્થાનિક લોકોમાં એવી ચર્ચા છે કે ભચાઉ શહેર અને આસપાસના વિસ્તારોમાં ભાવો દ્વારા મોટા પ્રમાણમાં વિદેશી દારૂનું વેચાણ અને સપ્લાય કરવામાં આવી રહ્યું છે.
દારૂબંધી હોવા છતાં સરળતાથી દારૂ ઉપલબ્ધ થતો હોવાની ચર્ચાઓ વચ્ચે હવે લોકો સીધા પોલીસ તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે.શહેરમાં લોકો વચ્ચે એવી ચર્ચા પણ ચાલી રહી છે કે “ભચાઉ પોલીસ મહેરબાન તો ભાવો બન્યો પહેલવાન.” કારણ કે સ્થાનિક પોલીસને સમગ્ર મામલાની જાણ હોવા છતાં હજુ સુધી કોઈ મોટી કે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે સામાન્ય નાગરિકોમાં અનેક પ્રકારની શંકાઓ જન્મી રહી છે. લોકોમાં ચર્ચા છે કે શું ભચાઉ પોલીસની “મીઠી નજર”ના કારણે જ ભાવોનો દારૂનો વેપલો બેફામ રીતે ચાલી રહ્યો છે? ક્યાંક કોઈ પોલીસ કર્મીને “મીઠાઈનો બોક્સ” તો નથી મળતો ને?દારૂબંધીના કડક કાયદા હોવા છતાં જો શહેરમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તો તે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. લોકો સવાલ કરી રહ્યા છે કે શું દારૂબંધીના નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે? શું ભચાઉમાં ખરેખર દારૂબંધી લાગુ છે કે પછી કેટલાક બુટલેગરો માટે કાયદો નરમ બની ગયો છે?પૂર્વ કચ્છના જાંબાઝ પોલીસ અધિક્ષક સાગર બાગમાર દ્વારા જિલ્લામાં અલગ અલગ ટીમો બનાવી દારૂ અને અન્ય ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે સતત અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ભચાઉ વિસ્તારમાં પણ LCB અને અન્ય ટીમો દ્વારા વારંવાર દરોડા પાડી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેના કારણે અનેક વખત સ્થાનિક પોલીસની કામગીરી ચર્ચાના કેન્દ્રમાં આવી હતી.ત્યારે હવે લોકોમાં ફરી એકવાર ચર્ચા છે કે જો બહારની ટીમો દરોડા પાડી દારૂનો જથ્થો ઝડપી શકે છે તો સ્થાનિક પોલીસ કેમ નિષ્ક્રિય બની છે? શું ભાવોને કોઈ ઉચ્ચ અધિકારીની રહેમ નજર મળી રહી છે? શું કેટલાક પોલીસ કર્મચારીઓ સાથેની ઉઠક-બેઠકના કારણે જ ભાવો પોલીસની પકડથી દૂર રહ્યો છે? આવા અનેક સવાલો હાલ ભચાઉ શહેરમાં ચર્ચાઈ રહ્યા છે.શહેરમાં લોકો હવે એવી માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે ઉચ્ચ અધિકારીઓ નિષ્પક્ષ તપાસ કરે અને જો કોઈ પોલીસ કર્મચારી કે અધિકારીની સંડોવણી સામે આવે તો તેમના વિરુદ્ધ પણ કડક કાર્યવાહી કરવામાં આવે. સાથે જ “ભાવો” સહિત દારૂના વેપલામાં સંડોવાયેલા તમામ લોકો સામે કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી રહી છે.
હવે જોવાનું રહ્યું કે ભચાઉ સ્થાનિક પોલીસ આ સમગ્ર મામલે કાર્યવાહી કરી લોકોના સવાલોના જવાબ આપશે કે પછી ફરી એકવાર બહારની કોઈ ટીમ દરોડો પાડી સમગ્ર હકીકત બહાર લાવશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top