ભચાઉના લુણવા વિસ્તારમાં બેફામ ખનિજ ચોરી, જવાબદાર અધિકારીઓની રહસ્યમય ચૂપકીદી સામે ઉઠ્યા અનેક સવાલો !

0
ભચાઉ તાલુકાના લુણવા વિસ્તારમાં લાંબા સમયથી ગેરકાયદેસર ખનિજ ચોરીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી અને પડતર જમીનોમાંથી ખુલ્લેઆમ માટી, રેતી અને અન્ય ખનિજનું ગેરકાયદેસર ખનન થઈ રહ્યું હોવા છતાં જવાબદાર વિભાગો મૌન ધારણ કરી બેઠા હોવાની ચર્ચાઓ લોકોમાં જોર પકડી રહી છે.સ્થાનિકોમાં એવી ચર્ચાઓ ઉઠી રહી છે
કે પૂર્વ કચ્છ ખનિજ વિભાગ લાંબા સમયથી લુણવા વિસ્તારમાં પેટ્રોલિંગ કરવા ગયું જ નથી. જેના કારણે ખનિજ ચોરોના હૌસલા દિવસેને દિવસે વધી રહ્યા છે. ખનિજ ભરેલા વાહનો રાત-દિવસ બેફામ ફરી રહ્યા હોવા છતાં હજુ સુધી કોઈ મોટી કાર્યવાહી કરવામાં આવી નથી.સૂત્રો દ્વારા મળતી ચર્ચાઓ મુજબ ખનિજના વાહનોને પસાર કરવા માટે એક વાહન દીઠ ₹1000 સુધીની રકમ લેવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ક્યાંક કોઈ અધિકારીના નામે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોવાની પણ ચર્ચાઓ ગરમાઈ રહી છે. જો આ ચર્ચાઓમાં સત્ય હશે તો આખો મામલો ગંભીર ભ્રષ્ટાચાર તરફ ઈશારો કરે છે.લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે આખરે લુણવામાં કોણ ખનિજ ચોરીના વાહનોને ખુલ્લેઆમ પસાર કરાવી રહ્યું છે ? કોના આશીર્વાદથી ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે ?
શું જવાબદાર અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે ? શું કોઈ રાજકીય અથવા વિભાગીય દબાણના કારણે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે ?લુણવા તેમજ આસપાસના વિસ્તારોમાં ગેરકાયદેસર ખનનના કારણે સરકારની તિજોરીને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાનું લોકો કહી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારની સરકારી જમીનોનો પણ સતત નાશ થઈ રહ્યો છે. છતાં હજુ સુધી કોઈ કડક પગલાં ભરવામાં આવ્યા નથી.સ્થાનિકોમાં એવી માંગ ઉઠી રહી છે કે પૂર્વ કચ્છ ખનિજ વિભાગ, ભચાઉ નાયબ કલેક્ટર અને મામલતદાર તાત્કાલિક અસરથી લુણવા વિસ્તારમાં સંયુક્ત દરોડા પાડી ગેરકાયદેસર ખનિજ ચોરી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરે. સાથે જ જે કોઈ લોકો અથવા અધિકારીઓના નામે રૂપિયા ઉઘરાવવામાં આવી રહ્યા હોય તેની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે.હવે જોવાનું એ રહેશે કે જવાબદાર વિભાગો લુણવા વિસ્તારમાં ચાલી રહેલી ખનિજ ચોરી સામે કડક કાર્યવાહી કરશે કે પછી ખનિજ માફિયાઓ આમ જ બેફામ બની સરકારની સંપત્તિને નુકસાન પહોંચાડતા રહેશે ?
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top