રવાપર વિસ્તારમાં ભર ઉનાળે પાણીની અછત : 12 ગામોમાં ચોથા દિવસે પણ પાણી ઠપ્પ, 450 લાઈનની નર્મદા યોજના ફેઈલ

0
સોમવારે કલેક્ટરને અલ્ટીમેટમ, નહીં તો જલ આંદોલન છેડવાનો શ્રીમતી નેહાબેન રૂપારેલનો હુંકાર
    નખત્રાણા તાલુકાના રવાપર વિસ્તારના વાલ્કા, ઘડાણી, નાગવિરી સહિત 12 ગામોમાં છેલ્લા ચાર દિવસથી પીવાના પાણીનો સપ્લાય સંપૂર્ણપણે બંધ થઈ જતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે. 450 લાઈન દ્વારા મળતું નર્મદા આધારિત પાણી બંધ થતાં હજારો લોકો અને અબોલ પશુઓ પાણી માટે વલખાં મારી રહ્યા છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ છેલ્લા છ મહિનાથી પાણી સમસ્યા સતત યથાવત છે, છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી કે વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે “450 લાઈનમાં પાણી નથી, ‘નળ સે જળ’ યોજના અહીં ‘નળ સે હવા’ બની ગઈ છે.”જિલ્લા પંચાયત સદસ્યા શ્રીમતી નેહાબેન અશ્વિનભાઈ રૂપારેલે તંત્ર સામે કડક વલણ અપનાવી જણાવ્યું છે
કે તા.24મી સુધીમાં પાણી પુરવઠો પુનઃ શરૂ નહીં થાય તો જિલ્લા કલેક્ટરને મળીને ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. ત્યારબાદ પણ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ગ્રામજનો સાથે ગાંધી ચિંધ્યા માર્ગે ‘જલ આંદોલન’ શરૂ કરવાની ચીમકી ઉચ્ચારી છે.રવાપર ગામમાં લાખોના ખર્ચે બનાવવામાં આવેલી 5000 લીટરની પાણીની ટાંકી છેલ્લા 15 દિવસથી ખાલી પડી હોવાનું સામે આવ્યું છે. નર્મદા લાઈન બંધ થતાં જ ટાંકી સુકાઈ જાય છે અને ગરીબ પરિવારોને મજબૂરીમાં ખાનગી ટેન્કરો મંગાવી હજારો રૂપિયાનો ખર્ચ કરવો પડી રહ્યો છે.ગ્રામજનોએ માંગ કરી છે કે 450 લાઈનની નર્મદા યોજના તાત્કાલિક કાર્યરત કરી પાણીની ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે. તંત્ર એકબીજા પર દોષારોપણ કરવાને બદલે તરત અસરકારક પગલાં ભરે તેવી ઉગ્ર માંગણી ઉઠી છે.
 અહેવાલ : સી.કે.નાથ (નખત્રાણા)

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top