પોલીસ કાર્યવાહી બાદ પણ દબાણ યથાવત ! જવાબદાર કોણ ?

0
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના વોંધ ગામમાં એક જાણીતા બુટલેગર દ્વારા લાખો રૂપિયાની કિંમતી સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. ગામલોકોના કહેવા મુજબ અગાઉ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી કરી બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું, છતાં હવે ફરીથી એ જ શખ્સ દ્વારા સરકારી જમીન પર કબજો મજબૂત બનાવવામાં આવી રહ્યો હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.સ્થાનિકોમાં ચર્ચા છે કે વર્ષોથી સરકારી જમીનો પર દબાણ કરી ગેરરીતિથી બાંધકામ ઉભું કરવામાં આવી રહ્યું છે, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી ન થતાં દબાણખોરોના હિંમત દિવસેને દિવસે વધી રહી છે.
ગ્રામજનોનો આક્ષેપ છે કે સામાન્ય ગરીબ માણસ સામે તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે પ્રભાવશાળી બુટલેગરો સામે તંત્ર મૌન શા માટે છે?ગામના જાગૃત નાગરિકો દ્વારા અનેક વખત મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ચોક્કસ પગલાં લેવામાં આવ્યા નથી. જેના કારણે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો હવે ખુલ્લેઆમ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું સરકારી જમીન પર કબજો કરનારાઓને રાજકીય અથવા અન્ય કોઈ પ્રભાવનો આશરો મળ્યો છે?સૂત્રોના જણાવ્યા મુજબ દબાણ કરાયેલ જમીનની કિંમત લાખો રૂપિયામાં હોવાનું કહેવાઈ રહ્યું છે. જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આવનાર સમયમાં વધુ સરકારી જમીનો પણ દબાણખોરોના નિશાને ચડી શકે છે તેવી ભીતિ વ્યક્ત થઈ રહી છે.હવે સમગ્ર મામલે ભચાઉ મામતલદાર કચેરી, જમીન વિભાગ અને સ્થાનિક તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે. શું મામતલદારની ટીમ સ્થળ તપાસ કરી ગેરકાયદેસર દબાણ દૂર કરશે? શું જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે? કે પછી ફરી એકવાર સમગ્ર મામલો ઠંડા બસ્તામાં જતો રહેશે? તેવા અનેક સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.ગ્રામજનો દ્વારા તાત્કાલિક સર્વે, માપણી અને દબાણ દૂર કરવાની માંગ સાથે જવાબદાર અધિકારીઓ સામે લેખિત રજૂઆત કરવાની તૈયારી પણ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જો સમયસર ન્યાય નહીં મળે તો લોકો આંદોલનના માર્ગે ઉતરશે તેવી ચેતવણી પણ ઉચ્ચારાઈ રહી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top