લુણવામાં સરકારી જમીન ખનિજ માફિયાઓના નામે હોય તેમ પડતર અને સરકારી જમીનમાંથી બેફામ માટી-ખનિજ ચોરી !
May 29, 2026
0
પૂર્વ કચ્છના ભચાઉ તાલુકાના લુણવા વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લેઆમ ખનિજ ચોરી ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. સરકારી અને પડતર જમીનમાંથી દિવસ-રાત બેફામ રીતે માટી અને ખનિજનું ખનન કરવામાં આવી રહ્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે. છતાં જવાબદાર પૂર્વ કચ્છ ખનિજ વિભાગ મૌન ધારણ કરી બેઠું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.સ્થાનિક લોકોના કહેવા મુજબ ખનિજ ચોરી માટે ભારે વાહનોનો સતત ઉપયોગ થતો હોવાથી લાખો રૂપિયાના ખર્ચે બનાવાયેલા ગ્રામ્ય રસ્તાઓ બિસ્માર બની ગયા છે. રોડ પર મોટા ખાડા પડી જતા સામાન્ય વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોમાં સવાલ ઉઠી રહ્યો છે
કે શું આ રોડ સામાન્ય જનતા માટે બનાવાયા હતા કે પછી ખનિજ માફિયાઓ માટે ?દિવસ હોય કે રાત, ખુલ્લેઆમ ચાલતી ખનિજ ચોરી સામે હજુ સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. શું ખનિજ વિભાગના અધિકારીઓ માત્ર A/C ઓફિસોમાં બેસી હવા ખાવા માટે છે ? શું જવાબદાર અધિકારીઓને કોઈ વહીવટદાર મળી ગયો છે ? શું કોઈ રાજકીય આશીર્વાદના કારણે ખનિજ માફિયાઓ બેફામ બન્યા છે ? સ્થાનિકોમાં તો એવી પણ ચર્ચા છે કે કોઈ ધારાસભ્યના પુત્રના નામે આ સમગ્ર ખેલ ચાલી રહ્યો છે કે શું ?ગ્રામજનો અને જાગૃત નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે લુણવા વિસ્તારમાં તપાસ હાથ ધરી ખનિજ ચોરી કરતા તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ સરકારી જમીન બચાવવામાં આવે. જો તંત્ર હજુ પણ આંખ આડા કાન કરશે તો આગામી સમયમાં જનઆંદોલન ઉગ્ર બને તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે.
Share to other apps

