NEET-UG વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
July 25, 2026
0
NEET-UG પરીક્ષામાં સામે આવેલી અનિયમિતતાઓ અને ત્યારબાદ ઊભા થયેલા વિવાદ વચ્ચે કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનને પોતાનું રાજીનામું સોંપ્યું છે. બે પાનાના રાજીનામા પત્રમાં તેમણે જણાવ્યું છે કે 3 મેના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં અનિયમિતતાઓ સામે આવ્યા બાદ સરકારે તાત્કાલિક સીબીઆઈ તપાસના આદેશ આપ્યા, પરીક્ષા રદ કરી અને પુનઃ પરીક્ષા યોજવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત આગામી વર્ષથી પરીક્ષા સંપૂર્ણપણે કમ્પ્યુટર આધારિત (CBT) પદ્ધતિથી યોજવામાં આવશે.ધર્મેન્દ્ર પ્રધાને પોતાના પત્રમાં જણાવ્યું કે 20 લાખથી વધુ વિદ્યાર્થીઓની પરીક્ષા પારદર્શક અને સુચારૂ રીતે યોજવી તેમની પ્રથમ પ્રાથમિકતા હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો, જિલ્લા વહીવટી તંત્ર તેમજ વાલીઓના સહયોગથી 21 જૂને પુનઃ પરીક્ષા સફળતાપૂર્વક યોજાઈ હતી. 16 જુલાઈએ જાહેર થયેલા પરિણામોમાં ગરીબ અને સામાન્ય પરિવારોના અનેક પ્રતિભાશાળી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી હોવાનું પણ તેમણે નોંધ્યું.તેમણે જણાવ્યું કે છેલ્લા કેટલાક દિવસોમાં સર્જાયેલી પરિસ્થિતિથી તેઓ વ્યથિત છે. જંતર-મંતર સહિત દેશના વિવિધ ભાગોમાં થયેલા વિરોધ પ્રદર્શન અને તેના કારણે દેશવિરોધી તત્વોને કોઈ લાભ ન મળે, દેશની એકતા અખંડિત રહે તેમજ વિદ્યાર્થીઓનું ભવિષ્ય કાનૂની વિવાદોમાં ન ફસાય તે હેતુથી તેમણે નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે.રાજીનામાના અંતે ધર્મેન્દ્ર પ્રધાને વડાપ્રધાનના માર્ગદર્શન બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે રાષ્ટ્રસેવા તેમના જીવનની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને તેઓ ભવિષ્યમાં પણ દેશહિત માટે કાર્યરત રહેશે.
Share to other apps

