પૂર્વ રાજ્યમંત્રીના પુત્રો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ, રણછોડ આહીર અને ત્રિકમ આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાવાની અરજદારની અપીલ
July 26, 2026
0
કચ્છમાં જમીન વિવાદને લઈને પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના પુત્રો રણછોડ આહીર અને ત્રિકમ આહીર સામે ગંભીર આક્ષેપો સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. અરજદાર યોગેશ ગોયલે ગાંધીનગર, પોલીસ અધિક્ષક (SP) તેમજ પોલીસ મહાનિરીક્ષક (IG)ને લેખિત અરજી આપી સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.અરજદારના જણાવ્યા મુજબ તેમની કાયદેસરની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રજૂઆતમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે જમીન પર બળજબરીપૂર્વક પ્રવેશ કરી માલિકીના હક્કમાં અવરોધ ઉભો કરવામાં આવ્યો હતો.
આ દરમિયાન દાદાગીરી, ધાક-ધમકી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.અરજીમાં વધુમાં જણાવાયું છે કે જમીન પર કાયદેસર રીતે કરવામાં આવેલા બાંધકામને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. અરજદારે પોતાની અરજી સાથે જરૂરી દસ્તાવેજો અને અન્ય પુરાવા રજૂ કરીને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરી છે.અરજદારનું કહેવું છે કે સમગ્ર ઘટનાને કારણે તેમના પરિવાર પર માનસિક દબાણ ઊભું થયું છે અને તેમને સતત ભયનો માહોલ અનુભવાઈ રહ્યો છે. તેથી પોતાને અને પરિવારને પોલીસ સુરક્ષા આપવા તેમજ દોષિતો સામે તાત્કાલિક ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે.આ મામલે રજૂઆત ગાંધીનગર સુધી પહોંચતા હવે પોલીસ અને વહીવટી તંત્ર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. અરજદારને ન્યાય મળશે કે નહીં અને રજૂઆતના આધારે રણછોડ આહીર તથા ત્રિકમ આહીર વિરુદ્ધ ફરિયાદ નોંધાશે કે નહીં, તે અંગે લોકોમાં પણ ચર્ચા ચાલી રહી છે.જોકે, સમગ્ર મામલે સંબંધિત પક્ષ તરફથી સત્તાવાર પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. પોલીસ દ્વારા પણ ફરિયાદ નોંધાઈ છે કે નહીં અથવા તપાસ કયા તબક્કે છે તે અંગે કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી.
Share to other apps

