પૂર્વ રાજ્યમંત્રીના પુત્રો સામે જમીન કબજાના ગંભીર આક્ષેપ, SP-IG સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત
July 21, 2026
0
કચ્છમાં જમીન વિવાદનો એક ગંભીર મામલો સામે આવ્યો છે. જમીન માલિક તરીકે પોતાનો દાવો કરનાર યોગેશ ગોયલે પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહીરના પુત્રો રણછોડ આહીર અને ત્રિકમ આહીર સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ અધિક્ષક (SP), પોલીસ મહાનિરીક્ષક (IG) સહિત ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે. અરજદારે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
અરજીમાં જણાવ્યા મુજબ રણછોડ આહીર પર કાયદેસરની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ, જમીનમાં બળજબરીપૂર્વક પ્રવેશ કરવો, દાદાગીરી કરવી તેમજ અરજદારને ધાક-ધમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પોતાની માલિકીની ન હોવા છતાં જમીન પર હક્ક જમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.ફરિયાદમાં પૂર્વ રાજ્યમંત્રીના બીજા પુત્ર ત્રિકમ આહીરનું નામ પણ ઉલ્લેખિત કરવામાં આવ્યું છે. અરજીમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે કાયદેસર રીતે ઉભા કરાયેલા બાંધકામને ગેરકાયદેસર રીતે તોડી પાડવામાં આવ્યું હતું. આ ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે.અરજદાર યોગેશ ગોયલે પોતાની અરજીમાં જણાવ્યું છે કે સમગ્ર ઘટનાને કારણે તેમના પરિવારને ભયનો માહોલ ઉભો થયો છે. તેમણે પોલીસ તંત્રને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ પોતાને અને પોતાના પરિવારને સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી છે.આ મામલે અરજદારે ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી હોવાનું જાણવા મળે છે. હવે સમગ્ર પ્રકરણમાં પોલીસ અને સંબંધિત તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.
Tags
Share to other apps

