ભચાઉમાં ગરીબ પરિવારોના રહેણાંક બચાવવા રજૂઆત, મકાનો હટાવાશે તો ઉપવાસ આંદોલનની ચીમકી

0
ભચાઉમાં ગરીબ પરિવારોના રહેણાંક બચાવવા રજૂઆત, મકાનો હટાવાશે તો ઉપવાસ આંદોલનની ચીમકી ભચાઉ: ભચાઉ ખાતે પ્રાંત અધિકારી અને તેમના સ્ટાફ માટે આવાસ ક્વાર્ટર બનાવવાના સંભવિત આયોજનને લઈને ગરીબ પરિવારોના રહેણાંક પર જોખમ ઉભું થયાની આશંકા વચ્ચે સ્થાનિક રહેવાસી ખેતસીભાઈ ડી. મારુએ મામલતદારને આવેદનપત્ર પાઠવી ગરીબ પરિવારોને સ્થળાંતર ન કરવા માંગણી કરી છે.આવેદનમાં જણાવાયું છે કે સેશન કોર્ટના બંગલાઓની આસપાસ છેલ્લા 30 થી 50 વર્ષથી અતિ ગરીબ અને પછાત સમાજના અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે. કેટલાક પરિવારોને સામાજિક સંસ્થાઓ દ્વારા મકાનો પણ બનાવી આપવામાં આવ્યા છે.
વર્ષ 2005 પછીના ગુગલ અર્થના ચિત્રોમાં પણ આ રહેણાંક અસ્તિત્વમાં હોવાનું દર્શાવાયું હોવાનું અરજદારે જણાવ્યું છે. ખેતસીભાઈ મારુના જણાવ્યા મુજબ, વર્ષોથી વસવાટ કરતા પરિવારોના મકાનોને દબાણ ગણાવી દૂર કરવાની કાર્યવાહી કુદરતી ન્યાયના સિદ્ધાંતો વિરુદ્ધ ગણાશે. તેમણે રજૂઆતમાં સૂચન કર્યું છે કે સરકારી કર્મચારીઓના આવાસ માટે અન્ય ઉપલબ્ધ સરકારી જમીનનો ઉપયોગ કરવામાં આવે.આવેદનમાં ચેતવણી આપવામાં આવી છે કે જો ગરીબ પરિવારોના મકાનો દૂર કરીને તેમને બેઘર કરવામાં આવશે તો અસરગ્રસ્ત લોકો ઉપવાસ આંદોલનનો માર્ગ અપનાવશે. ઉપરાંત, આવી કોઈપણ કાર્યવાહીથી થનારા શારીરિક, માનસિક અથવા આર્થિક નુકસાનની જવાબદારી સંબંધિત તંત્રની રહેશે તેવી રજૂઆત પણ કરવામાં આવી છે.આ મામલે જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને ડીવાયએસપી સહિતના અધિકારીઓને પણ આવેદનની નકલ મોકલવામાં આવી હોવાનું જાણવા મળે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top