લુણવા ડુંગર વિસ્તારમાં ગૌચર અને સરકારી જમીનની ખુલ્લેઆમ લૂંટ! ગેરકાયદેસર ખનન સામે ખનિજ વિભાગ મૌન કેમ?

0
ભચાઉ તાલુકાના લુણવા ડુંગર વિસ્તારમાં આવેલી ગૌચર તથા સરકારી જમીનોમાંથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે મેટલ કકરી અને અન્ય ખનિજ સંપત્તિનું ખનન થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. દિવસ-રાત ચાલતા આ ગેરકાયદેસર ખનનના કારોબારે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. તેમ છતાં ખનિજ વિભાગ અને જવાબદાર તંત્રની શંકાસ્પદ ચૂપકીદી અનેક સવાલો ઉભા કરી રહી છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ લુણવા વિસ્તારમાં ભારે મશીનરી દ્વારા ગૌચર અને સરકારી જમીનોનું ખોદકામ કરી ખનિજની ચોરી કરવામાં આવી રહી છે. કરોડો રૂપિયાની સરકારી સંપત્તિની લૂંટ ચાલતી હોવા છતાં આજદિન સુધી કોઈ મોટી કાર્યવાહી ન થવી અનેક શંકાઓને જન્મ આપી રહી છે.સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ ગેરકાયદેસર ખનનનો મુખ્ય સૂત્રધાર કહેવાતો "નાગલો" આખરે કોના રાજકીય અને વહીવટી આશીર્વાદથી આટલો બેફામ બન્યો છે? શું ખનિજ વિભાગના અધિકારીઓને આ અંગે જાણ નથી? જો જાણ છે તો પછી કાર્યવાહી કેમ નથી થતી? શું દરોડા પાડવા જતા અધિકારીઓ પર કોઈ રાજકીય દબાણ આવે છે? શું કોઈ પ્રભાવશાળી વ્યક્તિઓના ફોનના કારણે કાર્યવાહી અટકાવવામાં આવે છે?
સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે ગેરકાયદેસર ખનનના ધંધામાંથી મળતી કમાણીનો હિસ્સો કેટલાક જવાબદાર લોકો સુધી પહોંચતો હોવાના કારણે જ સમગ્ર મામલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. જો આ ચર્ચાઓ ખોટી હોય તો ખનિજ વિભાગે તાત્કાલિક સ્થળ તપાસ કરી સત્ય બહાર લાવવું જોઈએ.ગૌચર જમીન ગામડાંના પશુધન માટે અનામત હોય છે. આવી જમીનોનું ખોદકામ માત્ર સરકારી સંપત્તિને નુકસાન નથી પહોંચાડતું પરંતુ પર્યાવરણ અને પશુપાલકોના હિતો પર પણ સીધી અસર કરે છે. છતાં તંત્રની નિષ્ક્રિયતાના કારણે ખનિજ માફિયાઓ બેફામ બન્યા હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.હવે જોવાનું એ રહેશે કે જિલ્લા કલેક્ટર, ખનિજ વિભાગ અને રાજ્ય સરકાર આ ગંભીર મુદ્દે તાત્કાલિક તપાસના આદેશ આપી જવાબદારો સામે કડક કાર્યવાહી કરે છે કે પછી ગૌચર અને સરકારી જમીનની લૂંટ આમ જ ચાલુ રહેશે. લુણવા વિસ્તારના લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી ગેરકાયદેસર ખનન કરનારાઓ તથા તેમને આશ્રય આપનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top