ભચાઉ શહેરમાં વાહન ચોરોના આતંક વચ્ચે ભચાઉ પોલીસે પોતાની સતર્કતા અને કાબેલિયતનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. સામાન્ય રીતે વાહન ચોરીના કેસો ઉકેલવા પોલીસ માટે પડકારજનક હોય છે, પરંતુ ભચાઉ પોલીસે ગણતરીના દિવસોમાં જ ઝીણવટભરી તપાસ કરીને માત્ર એક નહીં, પરંતુ કુલ ૮ ચોરાયેલી મોટરસાઈકલ રિકવર કરી છે. પોલીસની આ ત્વરિત અને સરાહનીય કામગીરીએ ગુનેગારોમાં ફફડાટ અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત કરી છે.
આખી ઘટનાની શરૂઆત ગત ૨૮ જુલાઈના રોજ થઈ હતી, જ્યારે ભચાઉના નવા બસ સ્ટેશનના સરકારી પાર્કિંગમાંથી એક હીરો સ્પ્લેન્ડર મોટરસાઈકલ (GJ-12-CJ-4083) ની ચોરી થઈ હતી. આ અંગે ભચાઉ પોલીસ મથકે અજાણ્યા શખ્સ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૦૩(૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. ગુનો નોંધાતાની સાથે જ ભચાઉ પોલીસે આ કેસને ગંભીરતાથી લીધો અને કોઈ પણ કડી ન હોવા છતાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસ સ્ટાફે જરાય ઢીલ મૂક્યા વિના પોતાના ‘હ્યુમન ઇન્ટેલિજન્સ’ અને બાતમીદારોના નેટવર્કને સક્રિય કર્યું હતું.
પોલિસની રાત-દિવસની મહેનત અને સચોટ બાતમી રંગ લાવી હતી અને તપાસ દરમિયાન પોલીસે મેઘપર (તા. ભચાઉ) ના રહેવાસી ૩૦ વર્ષીય આરોપી ભાવેશ શ્યામગર ગોસાઈને દબોચી લીધો હતો. પોલીસની આગવી અને કડક ઢબે પૂછપરછ થતાં આરોપી ભાંગી પડ્યો હતો. તેણે બસ સ્ટેશનથી ચોરેલી બાઈકની કબૂલાત તો કરી જ, પરંતુ સાથે-સાથે પોલીસ તપાસમાં એવો ચોંકાવનારો ખુલાસો થયો કે આ શખ્સે અન્ય ૭ બાઈક પણ ચોરી છે. આમ, ભચાઉ પોલીસની કુનેહથી રૂ. ૧.૮૫ લાખની કિંમતની કુલ ૮ મોટરસાઈકલનો મુદ્દામાલ રિકવર થયો હતો અને પોલીસ ચોપડે નોંધાયેલા ચોરીના બે અલગ-અલગ ગુનાઓનો ભેદ ઉકેલાઈ ગયો હતો.
ભચાઉ પોલીસની આ શાનદાર કામગીરી પાછળ ઉચ્ચ પોલીસ અધિકારીઓનું સચોટ માર્ગદર્શન પણ એટલું જ મહત્વનું રહ્યું છે. બોર્ડર રેન્જ ભુજ-કચ્છના આઈજીપી શ્રી ચિરાગ ડોરડીયા, પૂર્વ કચ્છ ગાંધીધામના એસપી શ્રી સાગર બાગમાર અને ભચાઉ વિભાગના ડીવાયએસપી શ્રી સાગર સાંબડાના સતત માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સર્વેલન્સ સ્ટાફે આ જહેમત ઉઠાવી હતી. ગુનેગારોને કાયદાનું ભાન કરાવતી ભચાઉ પોલીસની આ કામગીરી ખરેખર બિરદાવવાલાયક છે.

