અંજારમાં સત્તાપક્ષના આંતરિક કથિત પત્રકાંડ મામલે નવાજૂનીનો ગણગણાટ

0
જિલ્લા મોવડી મંડળે પાલિકા અને સંગઠનના પ્રતિનિધિઓને બોલાવી કડક પૂછપરછ કરી હોવાની રાજકીય વર્તુળોમાં ચર્ચા — ગુપ્ત પત્ર જાહેર મંચ સુધી કેવી રીતે પહોંચ્યો તે સવાલે અનેક તર્કવિતર્ક : અંજાર શહેરના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા કથિત આંતરિક જૂથવાદને લઈને સામે આવેલા પત્રકાંડથી સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. પાલિકા અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક સંગઠનના પદાધિકારીઓ વચ્ચે ચાલી રહેલી કથિત આંતરિક ખેંચતાણની ચર્ચાઓ વચ્ચે ગંભીર આક્ષેપો ધરાવતા કથિત પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં આ સમગ્ર મામલો હવે સ્થાનિક સીમાઓ વટાવી જિલ્લા અને રાજ્યસ્તરે પણ ચર્ચાનો વિષય બન્યો છે.આ કથિત પત્રકાંડમાં પાલિકાના શાસક પક્ષના નેતા આશિષ ઉદવાણી, કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરિયા અને ઉપપ્રમુખ પરંશભાઈ માલસત્તરની સહી તથા લેટરપેડ સાથેનો કથિત પત્ર સામે આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ પત્રમાં પાલિકા પ્રમુખના પતિ દ્વારા વહીવટી કામગીરીમાં કથિત દખલગીરી, કર્મચારીઓને કનડગત સહિતના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.બીજી તરફ, આ રજૂઆતોને ટાંકીને શહેર ભાજપ પ્રમુખ હિતેન વ્યાસ, મહામંત્રી અશ્વિનભાઈ તથા ક્રિપાલસિંહ રાણાની સહી ધરાવતો કથિત પત્ર જિલ્લા ભાજપ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હોવાની પણ ચર્ચા રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખ તરફથી નામ વિના હેરાન કરવામાં આવતા હોવા સહિતની વિવિધ સ્પષ્ટતાઓ જુદા-જુદા માધ્યમો મારફતે કરવામાં આવી હોવાનું પણ સામે આવ્યું છે.ગંભીર આક્ષેપો અને પ્રતિઆક્ષેપો ધરાવતા કથિત પત્રો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ અંજારના રાજકીય માહોલમાં અનેક સવાલો ઉભા થયા છે. ખાસ કરીને સત્તાપક્ષના આંતરિક અને સંવેદનશીલ ગણાતા પત્રો જાહેર મંચ સુધી કેવી રીતે પહોંચ્યા, તે કોણે જાહેર કર્યા અને તેની પાછળનું કારણ શું હતું તે મુદ્દો હાલ ચર્ચાના કેન્દ્રમાં છે.જિલ્લા મોવડી મંડળની બેઠકની ચર્ચા : આ સમગ્ર પ્રકરણ વચ્ચે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા પણ વહેતી થઈ છે કે જિલ્લા કક્ષાના મોવડી મંડળ દ્વારા પાલિકા તથા સંગઠન સાથે જોડાયેલા સંબંધિત પદાધિકારીઓને બોલાવી સમગ્ર મામલે કડક પૂછપરછ કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે. કથિત પત્ર કોના કહેવાથી તૈયાર થયો, તેને કોની મંજૂરી હતી, તેનો હેતુ શું હતો અને પક્ષની આંતરિક બાબત ગણાતો પત્ર જાહેર કેવી રીતે થયો તે સહિતના મુદ્દે જવાબ માંગવામાં આવ્યા હોવાની ચર્ચા છે.જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ સ્પષ્ટ નિવેદન સામે આવ્યું નથી. તેથી આ ચર્ચાઓની સત્તાવાર પુષ્ટિ થવી હજુ બાકી છે.મૌનથી વધ્યા સવાલો : સમગ્ર વિવાદ અંગે જવાબદાર પદાધિકારીઓ તરફથી કોઈ સ્પષ્ટ અને સત્તાવાર પ્રતિક્રિયા ન આવતાં રાજકીય વર્તુળોમાં તર્કવિતર્ક વધુ તેજ બન્યા છે. પત્ર સાચો છે કે નહીં, તેમાં કરવામાં આવેલા આક્ષેપોની હકીકત શું છે અને આ પત્રો સોશિયલ મીડિયામાં કેવી રીતે પહોંચ્યા તે અંગે અનેક પ્રશ્નો હાલ ચર્ચાઈ રહ્યા છે.પક્ષની આંતરિક બાબતોમાં ગણાતા મુદ્દાઓ જાહેર થતા હવે સંગઠન આ મામલે શું વલણ અપનાવે છે અને જવાબદારી નક્કી કરવામાં આવે છે કે નહીં તેના ઉપર સૌની નજર મંડાઈ છે.કાર્યવાહી થશે કે મામલો ઠંડો પડશે? અંજારના રાજકીય વર્તુળોમાં આગામી દિવસોમાં આ સમગ્ર પ્રકરણમાં કોઈ મોટી નવાજૂની થવાની શક્યતાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. ભૂતકાળમાં પણ પક્ષના આંતરિક મતભેદો અને વિવાદો અંગે ચર્ચાઓ ઉઠી હોવા છતાં ઘણી વખત કોઈ સ્પષ્ટ કે ઉડીને આંખે વળગે તેવી કાર્યવાહી જોવા મળી નથી. ત્યારે આ વખતે સામે આવેલા કથિત પત્રકાંડમાં ખરેખર કોઈની જવાબદારી નક્કી કરવામાં આવશે કે પછી સમય જતાં મામલો શાંત પડી જશે તે મોટો સવાલ બની રહ્યો છે.આ સમગ્ર ઘટનાએ અંજાર ભાજપના સ્થાનિક સંગઠન અને પાલિકાના સત્તાપક્ષ વચ્ચેના સંબંધો અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. આંતરિક ખેંચતાણ કયા સ્તરે પહોંચી છે અને આગામી દિવસોમાં તેની રાજકીય અસર શું પડશે તેના ઉપર હવે સ્થાનિકથી લઈને જિલ્લા સ્તરના રાજકીય વર્તુળોની નજર મંડાઈ છે.સૌથી મોટો સવાલ એ છે કે આ કથિત આંતરિક પત્ર બહાર આવવાથી કોને રાજકીય ફાયદો થશે અને કોને નુકસાન પહોંચશે? તેમજ પક્ષના મોવડી મંડળ દ્વારા આ સમગ્ર મામલે કોઈ કડક નિર્ણય લેવાશે કે નહીં તે આગામી દિવસોમાં સ્પષ્ટ થશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top