ગાંધીધામ વુડ્સ પ્રા.લિ.માં કરોડોના કથિત કોર્પોરેટ ફ્રોડનો આરોપ, ડિરેક્ટરો અને HDFC બેંક અધિકારીઓની ભૂમિકા સામે તપાસ
September 11, 2026
0
ગાંધીધામ વુડ્સ પ્રાઇવેટ લિમિટેડની પ્રમોટર અને 25 ટકા શેરહોલ્ડર ડિરેક્ટર ડૉ. મનવી રોહિત શાહ સાથે કરોડો રૂપિયાની કથિત છેતરપિંડી અને દસ્તાવેજોમાં જાલસાજી થયાની ફરિયાદ સામે આવી છે. આ અંગે ગાંધીધામ-પૂર્વ (કચ્છ) એસપી કચેરી તથા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.ફરિયાદ મુજબ UB Aggarwal Group સાથે સંકળાયેલા ડિરેક્ટરો સુકેત બાલકૃષ્ણ અગ્રવાલ, મુકેશ બાલકૃષ્ણ ગુપ્તા તેમજ સહયોગી માધવ ગુપ્તા સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. ફરિયાદમાં આરોપ છે કે ડૉ. મનવી શાહની જાણ, સંમતિ કે સહી વિના કંપનીના કાનૂની દસ્તાવેજોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા.₹3.99 કરોડની લોન બતાવી શેરમાં રૂપાંતરનો આક્ષેપ ફરિયાદ અનુસાર, કોઈ વાસ્તવિક બેંક ટ્રાન્ઝેક્શન વિના કાગળ પર ₹3.99 કરોડની અનસિક્યોર્ડ લોન દર્શાવી તેને 39.90 લાખ ઇક્વિટી શેરમાં રૂપાંતરિત કરવામાં આવી હોવાનો આક્ષેપ છે. જેના કારણે ફરિયાદી ડિરેક્ટરની શેરહોલ્ડિંગમાં કથિત રીતે ઘટાડો થયો હોવાનું જણાવાયું છે.કંપનીની સ્થાપના પહેલાંની તારીખે બોર્ડ રિઝોલ્યુશન? મામલામાં સૌથી ગંભીર મુદ્દા તરીકે 1 નવેમ્બર 2021ની તારીખ ધરાવતા કથિત બોર્ડ રિઝોલ્યુશનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ કંપનીની સ્થાપના 11 એપ્રિલ 2022ના રોજ થઈ હતી, એટલે કે કથિત બોર્ડ રિઝોલ્યુશનની તારીખ કંપનીની સ્થાપના કરતાં આશરે પાંચ મહિના પહેલાની છે.ફરિયાદમાં આ દસ્તાવેજને લઈને એન્ટી-ડેટિંગ અને ડિજિટલ સહી/ડિજિટલ સર્ટિફિકેટના સંભવિત દુરુપયોગ અંગે ફોરેન્સિક તપાસની માંગ કરવામાં આવી છે. HDFC બેંકના અધિકારીઓની ભૂમિકા અંગે પણ સવાલ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે કે કંપનીનું બેંકિંગ SBIમાંથી HDFC બેંકની સુભાષનગર શાખા, ગાંધીધામ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું. ફરિયાદ મુજબ HDFC બેંકના મેનેજર જય કોઠારી તથા અન્ય અધિકારીઓએ જરૂરી KYC પ્રક્રિયા અને ફરિયાદી ડિરેક્ટરની સંમતિ વિના કંપનીનું બેંકિંગ એકાઉન્ટ ખોલવા તેમજ આશરે ₹17 કરોડની ક્રેડિટ સુવિધા મંજૂર કરવામાં ભૂમિકા ભજવી હોવાનો આક્ષેપ છે.આ ઉપરાંત કંપનીની મિલકતો/વ્યવહાર સંબંધિત ROC ચાર્જ નોંધણી અંગે પણ ફરિયાદમાં સવાલો ઉઠાવવામાં આવ્યા છે. BNS અને IT Act હેઠળ કાર્યવાહી તથા ફોરેન્સિક તપાસની માંગ ફરિયાદમાં સમગ્ર મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) હેઠળ ગુનાહિત કાવતરું, વિશ્વાસઘાત, છેતરપિંડી અને બનાવટી દસ્તાવેજો સંબંધિત જોગવાઈઓ તેમજ IT Actની સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ કથિત બોર્ડ રિઝોલ્યુશન, ડિજિટલ સહી/DSC, બેંક રેકોર્ડ, KYC દસ્તાવેજો, લોન ટ્રાન્ઝેક્શન તથા ROCમાં દાખલ થયેલા દસ્તાવેજોની નિષ્પક્ષ ફોરેન્સિક તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.હાલ સમગ્ર મામલો પોલીસ તપાસ હેઠળ હોવાનું જણાવાયું છે. ફરિયાદમાં કરવામાં આવેલા આક્ષેપોની સત્યતા અંગે અંતિમ નિષ્કર્ષ તપાસ અને સત્તાવાર કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે.
Share to other apps

