પૂર્વ કચ્છમાં ગેરકાયદેસર મીઠાના કારખાનાં ચલાવતો ‘બાબુ’ હવે ધારાસભ્ય બનવાના સપના જોઈ રહ્યો છે? કાંઠા વિસ્તારમાં હજારો એકર દબાણ અંગે તંત્ર પર સવાલો
March 13, 2026
0
પૂર્વ કચ્છના કાંઠા વિસ્તારમાં વર્ષોથી ચાલી રહેલા ગેરકાયદેસર મીઠાના કારખાનાં ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. વિસ્તારમાં ચર્ચા છે કે જાણીતા બાહુબલી અને ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા “બાબુ” દ્વારા સરકારી, ફોરેસ્ટ તથા KPT (દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ)ની જમીન પર હજારો એકર દબાણ કરીને મીઠાનું ગેરકાયદેસર ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.આ વચ્ચે હવે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચાઓ તેજ બની છે
કે આ જ “બાબુ” 2027ની વિધાનસભા ચૂંટણી લડવાની તૈયારીમાં છે. રાજ્યના અનેક નેતા અને મંત્રીઓ સાથેના તેના ફોટાઓ સોશિયલ મીડિયામાં સામે આવતા લોકોમાં અનેક પ્રશ્નો ઊભા થયા છે.માહિતી મુજબ કાંઠા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મીઠાના કારખાનાં ચાલી રહ્યા છે, જેમાંથી ઘણા કારખાનાં સરકારી, ફોરેસ્ટ અને KPTની જમીન પર ગેરકાયદેસર રીતે ઉભા કરવામાં આવ્યા હોવાના આક્ષેપો છે. તંત્ર દ્વારા થોડા કારખાનાં તોડવાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું જણાવાય છે, પરંતુ સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે માત્ર લોકોને બતાવવા માટે થોડાં કારખાનાં તોડવામાં આવ્યા છે જ્યારે મોટા કારખાનાં આજે પણ યથાવત છે.આ મુદ્દે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થાય છે કે ગરીબ લોકોના નાના દબાણો અને ઘરો પર નાયબ કલેક્ટર અને મામલતદાર તાત્કાલિક કાર્યવાહી કરે છે, પરંતુ કાંઠા વિસ્તારમાં હજારો એકરમાં ચાલતા ગેરકાયદેસર મીઠાના કારખાનાં સામે અત્યાર સુધી કડક પગલાં કેમ લેવામાં આવ્યા નથી?આ ઉપરાંત PGVCL દ્વારા ગેરકાયદેસર વીજ કનેક્શન સામે અનેક જગ્યાએ કાર્યવાહી કરવામાં આવે છે,
પરંતુ કાંઠા વિસ્તારમાં આવેલા મીઠાના ગેરકાયદેસર કારખાનાં સુધી PGVCL કેમ પહોંચી શકતું નથી તે મુદ્દે પણ લોકોમાં ચર્ચા ચાલી રહી છે.સ્થાનિકોમાં તો એવી પણ ચર્ચા છે કે ફોરેસ્ટ વિભાગની જમીન પર થયેલા આ મોટા પાયાના દબાણ અંગે શું ફોરેસ્ટ વિભાગના જવાબદાર અધિકારીઓ કાર્યવાહી કરશે કે નહીં? કે પછી આ સમગ્ર મામલે પણ તંત્ર મૌન જ રહેશે?હવે લોકોની નજર કચ્છના મંત્રી, સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ અને જિલ્લા કલેક્ટર પર છે કે તેઓ સરકારી, ફોરેસ્ટ અને KPTની જમીન પર થયેલા દબાણ અને ગેરકાયદેસર મીઠાના કારખાનાં સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપશે કે નહીં.
Share to other apps

