છાડવાડા રામદેવપીર મંદિર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા સંમેલન યોજાયું

0
ભચાઉ તાલુકાના છાડવાડા ગામે આવેલ રામદેવપીર મંદિરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે તા. 12 માર્ચ 2026ના રોજ ભવ્ય મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉન્નતિ ટીમના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ભચાઉ તાલુકાના દરિયાકાંઠાના વિવિધ ગામોમાંથી આશરે 280 જેટલી બહેનો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહી હતી.કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહેમાનો અને વક્તાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો હેતુ અને ઉદ્દેશ ઉન્નતિ સંસ્થાના હિતેન્દ્રભાઈ ચૌહાણ દ્વારા સમજાવવામાં આવ્યો હતો.કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં જાગૃતિ, નેતૃત્વ વિકાસ, આરોગ્ય, કૃષિ તેમજ વિવિધ સરકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેથી મહિલાઓ સમાજના વિકાસમાં વધુ સક્રિય બની શકે.આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ભચાઉના પ્રાંત અધિકારી જ્યોતિબેન ગોહેલ, સી.ડી.પી.ઓ. મીનાક્ષીબેન, મેડિકલ ઓફિસર, તાલુકા હેલ્થ સુપરવાઈઝર મંજુબેન ગરવા, હેલ્થ કાઉન્સેલર દિશાબેન સુથાર, કિરણ પાતર સાહેબ, લાકડિયા પોલીસ સ્ટાફ સુનિતાબેન સોલંકી, મહિલા સરપંચ રાણીબેન ઝરૂ તેમજ આરોગ્ય સેવા પહોંચાડનાર પૂજાબેન દદલાની સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત બહેનોને સંબોધિત કરી સમાજ અને ગામના વિકાસમાં મહિલાઓની સક્રિય ભાગીદારી માટે પ્રેરણા આપી હતી.મહિલા આગેવાનો દ્વારા માતા-બાળ આરોગ્ય, ખેતી અને પશુપાલન તેમજ જાહેર સેવાઓ અને સરકારી યોજનાઓ સુધી સરળ પહોંચ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી અને મહિલાઓના સશક્તિકરણ માટે મહત્વપૂર્ણ સૂચનો રજૂ કરવામાં આવ્યા હતા.આ પ્રસંગે વિવિધ માહિતીપ્રદ સ્ટોલ પણ આયોજનમાં મૂકવામાં આવ્યા હતા, જેમાં ખેતી અને પશુપાલન અંગે માહિતી, નાગરિક સહયોગ કેન્દ્ર, આંગણવાડી દ્વારા મળતા લાભોની માહિતી, આરોગ્ય સેવાઓ અંગે માર્ગદર્શન તેમજ બેંકિંગ સેવાઓ સંબંધિત સ્ટોલ મહિલાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉપસ્થિત તમામ બહેનો, મહેમાનો અને સહયોગીઓનો ઉન્નતિ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઉન્નતિ સંસ્થા ભચાઉ ટીમે વિશેષ જહેમત ઉઠાવી હતી.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top