ભચાઉ શહેરમાં દારૂ બંધ…પણ ગાંજાનો વેપાર ચાલુ? જૂના બસ સ્ટેશન અને જય માતાજી ચોક નજીક ખુલ્લેઆમ વેચાણની ચર્ચા
March 12, 2026
0
ભચાઉ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી દારૂના ધંધા પર પોલીસ દ્વારા કડક કાર્યવાહી થતાં ગેરકાયદેસર દારૂનો વેપાર ઘણો અંશે બંધ થયો હોવાની ચર્ચા છે. પરંતુ હવે શહેરમાં બીજી એક ગંભીર ચર્ચા ઉઠી રહી છે કે દારૂ બંધ થતા ગાંજાનો વેપાર વધતો જોવા મળી રહ્યો છે.સ્થાનિક સૂત્રો અને લોકોમાં ચર્ચા મુજબ ભચાઉ શહેરના જૂના બસ સ્ટેશન તેમજ જય માતાજી ચોક નજીક કેટલાક લોકો દ્વારા ખુલ્લેઆમ ગાંજાનું વેચાણ થતું હોવાની વાતો સામે આવી રહી છે. આ વિસ્તારમાં નશીલા પદાર્થોની અવરજવર વધી રહી હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
પૂર્વ કચ્છ જિલ્લામાં પોલીસ દ્વારા છેલ્લા દિવસોમાં રાપર અને સામખીયારી વિસ્તારમાં ગાંજો અને અન્ય નશીલા પદાર્થો સામે રેડ કરીને કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. જેના કારણે હવે લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે ભચાઉ શહેરમાં ચાલી રહેલા આ ગેરકાયદેસર વેપાર વિશે પોલીસને જાણ છે કે નહીં?સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે પૂર્વ કચ્છના જાંબાઝ પોલીસ અધિક્ષક સાગર બાગમાર શું ભચાઉ શહેરમાં ચાલી રહેલા આ ગાંજાના વેપાર સામે પણ કડક કાર્યવાહી કરાવશે?જો આ પ્રકારનો ગેરકાયદેસર વેપાર ખુલ્લેઆમ ચાલતો હોય તો તે યુવાનો માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે. હવે લોકોની નજર પોલીસ તંત્ર પર છે કે ભચાઉ શહેરના જૂના બસ સ્ટેશન અને જય માતાજી ચોક નજીક ચાલી રહેલા આ નશીલા પદાર્થોના વેપાર સામે ક્યારે કાર્યવાહી થાય છે.
Share to other apps

