ભૂમાફિયા, કાળા કારોબાર, હત્યા કેસથી લઈ આરટીઓ કૌભાંડ સુધી – વિવાદોમાં ઘેરાયેલ આગેવાનને ભાજપમાં કેમ પ્રાધાન્ય?
March 20, 2026
0
ભચાઉ તાલુકામાં એક દબંગ અને અત્યંત વિવાદાસ્પદ આગેવાન ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. વર્ષોથી સરકારી સંપત્તિની લૂંટ, ગેરકાયદેસર મીઠા ઉદ્યોગ, ભૂમાફિયાગીરી અને ગંભીર ગુનાહિત કેસોમાં નામ જોડાતા હોવા છતાં આ આગેવાન સતત રાજકીય રીતે મજબૂત બનતો રહ્યો છે, જે સ્થાનિક રાજકારણમાં ચર્ચા અને અસંતોષનું કારણ બન્યું છે.સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર આ આગેવાને પોતાની રાજકીય સફર ગેરરીતિઓના આધારે ઉભી કરી છે અને દરેક ચૂંટણીમાં પક્ષની ટિકિટ મેળવવામાં સફળ રહેતા આવ્યા છે. હવે તેઓ ખડીર તાલુકા પંચાયતની ચૂંટણી લડીને ભચાઉ તાલુકા પંચાયતના પ્રમુખ પદ સુધી પહોંચવાના પ્રયાસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.ખડીર વિસ્તારમાં બૂથ કેપ્ચરિંગ જેવા ગંભીર આરોપો વારંવાર ઉઠ્યા છે.
સાથે સાથે આહિર સમાજના યુવાનો પર જીવલેણ હુમલાના કેસોમાં પણ આ આગેવાનનું નામ જોડાયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે, જેને કારણે વિસ્તારમાં ભય અને અસંતોષનો માહોલ સર્જાયો છે.આ ઉપરાંત, કાનમેર રણમાં મીઠાના કાળા કારોબાર સાથે જોડાયેલા એક ખૂની બનાવમાં પણ આ આગેવાનનું નામ સામે આવ્યું હતું, જેમાં ગોળીબારથી એક યુવાનનું મોત નિપજ્યું હતું. આ કેસમાં તેઓ જેલવાસ ભોગવી ચૂક્યા હોવાની પણ ચર્ચા છે.સામખિયાળી આરટીઓ કચેરી સાથે જોડાયેલા કથિત મોટા કૌભાંડમાં પણ આ આગેવાન પર સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવાનો આક્ષેપ છે. કહેવાય છે કે ગેરકાયદેસર માર્ગો દ્વારા લાખો વાહનો પસાર કરાવી પોતાની સમાંતર વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી અને ઉપર સુધી ભાગબટાઈ ચાલતી હતી. આ મામલો બહાર આવતા તેઓ લાંબા સમય સુધી ફરાર રહ્યા હતા. હાલમાં ખારોડા વિસ્તારમાં સરકારી જમીન સાથે જોડાયેલા અરબો રૂપિયાના કૌભાંડમાં પણ આ આગેવાનનું નામ ચર્ચામાં છે. આ તમામ ગંભીર આરોપો છતાં ભાજપમાં તેમને મળતું મહત્વ હવે સવાલો ઉભા કરી રહ્યું છે. સ્થાનિક નાગરિકો અને રાજકીય વર્તુળોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે શું ભાજપ માત્ર ચૂંટણી જીતવા માટે આવા વિવાદાસ્પદ ચહેરાઓને પ્રોત્સાહન આપી રહ્યું છે? ભાજપ જેવી શિસ્તબદ્ધ અને મૂલ્યો આધારિત પાર્ટીમાં આવા આગેવાનોનું સ્થાન પક્ષની વિચારધારાને ક્યાં લઈ જશે તે હવે ચર્ચાનો વિષય બન્યો છે. હવે સૌની નજર ભાજપના આગામી નિર્ણય પર છે – શું પક્ષ આ પ્રકારના આરોપોને ગંભીરતાથી લઈ કાર્યવાહી કરશે કે પછી રાજકીય ફાયદાને પ્રાથમિકતા આપશે?
Tags
Share to other apps

