રતનાલ જિલ્લા પંચાયત બેઠક મુદ્દે AAPની ચૂંટણી પંચ સામે ફરિયાદ, કોર્ટમાં જવાની તૈયારી
April 25, 2026
0
ગાંધીધામ : ગુજરાતમાં સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા રતનાલ જિલ્લા પંચાયત બેઠક અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. AAPના ઉમેદવાર ભીમજીભાઇ ભીખાભાઇ બોચિયાએ ભાજપના ઉમેદવાર નરેશ અર્જુનભાઇ થારૂ દ્વારા સોગંદનામામાં ખોટી માહિતી આપવામાં આવી હોવાની ચૂંટણી પંચ સમક્ષ ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, ઉમેદવારના ફોર્મમાં દર્શાવાયેલી વિગતોમાં ગેરમાર્ગે દોરતી માહિતી આપવામાં આવી હોવાનું જણાવ્યું છે. ભીમજીભાઇએ આ અંગે જિલ્લા ચૂંટણી અધિકારી, નાયબ કલેક્ટર અને મદદનીશ ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી ઉમેદવારી રદ કરવાની માંગ કરી હતી.AAPના દાવા મુજબ, ફોર્મ ચકાસણી દરમિયાન મૌખિક રજૂઆત છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવી નહોતી, ત્યારબાદ લેખિતમાં પણ રજૂઆત કરાઈ હતી. જોકે, ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા લેખિત જવાબમાં તેઓ આ મામલે કોઇ પગલાં લઈ શકતા નથી અને અરજદારે કોર્ટનો સહારો લેવો જોઈએ તેવી સલાહ આપવામાં આવી છે.આ અંગે પૂર્વ કચ્છ AAPના પ્રમુખ ડો. કાયનાત અંસારી આથાએ ચૂંટણી પંચની ભૂમિકા પર સવાલ ઉઠાવતા કહ્યું કે જો ચૂંટણી પંચ પાસે સત્તા ન હોય તો ચૂંટણી પ્રક્રિયા કરવાનો અર્થ શું છે. તેમણે વધુમાં જણાવ્યું કે પાર્ટી આ મામલે કોર્ટમાં જઈ ન્યાય મેળવશે.આ મુદ્દે આગામી સમયમાં કાનૂની લડત તેજ બનવાની શક્યતા છે.
Share to other apps

