ભચાઉ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવારી પરત ખેંચાવાને લઈને ચર્ચાઓ તેજ

0
ભચાઉ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ભચાઉ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો પર રાજકીય ગરમાવો વધ્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી, પરંતુ ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ બાદ કેટલીક બેઠકો પર અચાનક ઉમેદવારો દ્વારા ફોર્મ પરત ખેંચાતા રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.ખાસ કરીને ભચાઉ જિલ્લા પંચાયતની એક બેઠક બિનહરીફ જાહેર થતાં વિરોધ પક્ષો અને સ્થાનિક લોકોમાં સવાલો ઊભા થયા છે. કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો દ્વારા અંતિમ ક્ષણે ઉમેદવારી પરત ખેંચાતા આ નિર્ણય પાછળ દબાણ, રાજકીય સમીકરણો કે નાણાકીય લેવડદેવડ જેવી ચર્ચાઓ ચાલી રહી છે.સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે ભાજપના એક દિગ્ગજ નેતાના ફાર્મ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી અને એક ઉમેદવારને મોટી રકમ આપી ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યું હતું. જોકે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. તેમ છતાં રાજકીય માહોલમાં આ મુદ્દે ભારે ચર્ચા ચાલી રહી છે.ભચાઉ નગરપાલિકાની અગાઉની ચૂંટણીમાં પણ સમાન પરિસ્થિતિ સર્જાઈ હતી તેવી ચર્ચાઓ ફરી જીવંત થઈ છે. ત્યારે ૨૮ બેઠકોમાંથી મર્યાદિત બેઠકો પર જ મતદાન થયું હતું અને અનેક ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાતા વિરોધ પક્ષોએ દબાણ અને સોદાબાજીના આક્ષેપો કર્યા હતા.હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચાર બેઠકો બિનહરીફ થતાં લોકોમાં સવાલો ઊભા થયા છે કે આ બેઠકો ખરેખર રાજકીય સમજુતીથી બિનહરીફ થઈ છે કે પાછળ અન્ય કોઈ કારણ કાર્યરત છે. ચૂંટણી અધિકારીઓને આ બાબતે જાણ છે કે નહીં અને જો જાણ હોય તો કોઈ કાર્યવાહી કેમ થઈ નથી તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યા છે.આ સમગ્ર મામલે આવનારા દિવસોમાં વધુ ખુલાસાઓ થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે ટૂંક સમયમાં અનેક બાબતો બહાર આવી શકે છે અને ત્યારબાદ ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર પણ સવાલો ઊભા થઈ શકે છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top