સમાધાન છતાં યુવકોને કલાકો સુધી બેસાડ્યા? ભચાઉ પોલીસ પર પ્રશ્નો ઉઠ્યા
April 30, 2026
0
ભચાઉ શહેરમાં થોડા દિવસો પહેલા સવારના સમયે બે પક્ષ વચ્ચે બોલાચાલી અને ઝઘડાનો બનાવ સામે આવ્યો હતો. જોકે સ્થાનિક આગેવાનોના મધ્યસ્થીથી બંને પક્ષ વચ્ચે તાત્કાલિક સમાધાન થઈ ગયું હતું અને કોઈપણ પક્ષ દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી.તે છતાં, ઘટનાની જાણ થતાં ભચાઉ પોલીસ દ્વારા બંને પક્ષના યુવકોને પોલીસ મથકે બોલાવી અંદાજે ૬ થી ૭ કલાક સુધી બેસાડી રાખવામાં આવ્યા હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે. આ મુદ્દે સ્થાનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.વધુમાં, આ ઘટનામાં એક કિશોરને પોલીસ કર્મચારી દ્વારા માર મારવામાં આવ્યો હોવાના આક્ષેપો પણ ઉઠી રહ્યા છે, જેને કારણે મામલો વધુ ગંભીર બન્યો છે. આ અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ ચર્ચાઓ જોર પકડી રહી છે.સ્થાનિક લોકોનો આરોપ છે કે જ્યાં કોઈ ફરિયાદ નથી એવા મામલામાં પણ પોલીસ દખલ કરી રહી છે, જ્યારે દબંગ તત્વો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં નરમાઈ દાખવવામાં આવે છે.આ સમગ્ર મામલે લોકો દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી રહી છે, જેથી હકીકત બહાર આવી શકે અને જરૂરી હોય ત્યાં યોગ્ય પગલાં લેવાઈ શકે.
Share to other apps

