ભચાઉના વોર્ડ નંબર 7માં રોડ કામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, પાલિકાનું તંત્ર ઊંઘમાં ?
May 18, 2026
0
ભચાઉ શહેરના વોર્ડ નંબર 7 વિસ્તારમાં થયેલા રોડના કામમાં ભારે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા રસ્તાઓ થોડા જ સમયમાં તૂટી પડતા જોવા મળી રહ્યા છે, જેના કારણે વિકાસના કામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે ભચાઉ નગર પાલિકાના જવાબદાર અધિકારીઓ વિસ્તારની વિઝિટ કરવા સુધી પણ તૈયાર નથી. વારંવાર રજૂઆતો છતાં પણ તંત્ર દ્વારા કોઈ ગંભીર તપાસ હાથ ધરવામાં આવી નથી. લોકોમાં એવો પણ સવાલ ઉઠી રહ્યો છે કે શું આ ભ્રષ્ટાચાર પાછળ કોઈ અધિકારીની રહેમ નજર છે?વોર્ડ નંબર 7માં વિકાસ માટે ફાળવવામાં આવેલી ગ્રાન્ટ ક્યાં વપરાઈ રહી છે તે અંગે પણ લોકોમાં શંકા ઉભી થઈ છે.
રોડના કામમાં વપરાયેલ મટિરિયલની ગુણવત્તા, ટેન્ડર પ્રક્રિયા અને કામગીરીની દેખરેખ અંગે પારદર્શિતા ના હોવાના આક્ષેપ થઈ રહ્યા છે.સ્થાનિકોનું કહેવું છે કે અનેક વખત રોડ બનાવ્યા બાદ થોડા સમયમાં જ તૂટી જવાના બનાવો સામે આવ્યા છે, છતાં પણ નગર પાલિકાનું તંત્ર ગહેરી ઊંઘમાં હોય તેમ વર્તી રહ્યું છે. ચીફ ઓફિસર સહિતના જવાબદાર અધિકારીઓ હવે આ વિસ્તારની સ્થળ મુલાકાત લઈ યોગ્ય તપાસ કરશે કે પછી ફરી ફરિયાદો ફાઈલોમાં જ દબાઈ જશે તે જોવાનું રહ્યું.હવે લોકો માંગ કરી રહ્યા છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને વોર્ડ નંબર 7ના વિકાસ કામોની ગુણવત્તાની ચકાસણી કરવામાં આવે.
Share to other apps

