ભચાઉમાં જિયો વાઇફાઇ સેવાને લઈને ગ્રાહકોમાં ભારે રોષ, કનેક્શન બંધ છતાં રિચાર્જના મેસેજોથી લોકો પરેશાન

0
ભચાઉ શહેર અને આસપાસના વિસ્તારોમાં જિયો વાઇફાઇ સેવાને લઈને ગ્રાહકોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. અનેક ગ્રાહકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે લાંબા સમયથી વાઇફાઇ કનેક્શન બંધ હાલતમાં છે, ઇન્ટરનેટ સેવા મળતી નથી, ટેકનિકલ સમસ્યાનો કોઈ ઉકેલ આપવામાં આવતો નથી, છતાં કંપની દ્વારા રોજબરોજ રિચાર્જ કરવા માટેના મેસેજ મોકલવામાં આવી રહ્યા છે.ગ્રાહકોના જણાવ્યા મુજબ ઘણા સમયથી કનેક્શન બંધ હોવા છતાં જિયો કંપની કે સ્થાનિક ઓફિસ તરફથી કોઈ જવાબદાર કાર્યવાહી કરવામાં આવી નથી. વારંવાર ફરિયાદો કરવા છતાં ગ્રાહકોને માત્ર આશ્વાસન આપવામાં આવે છે પરંતુ વાસ્તવિક સમસ્યાનો ઉકેલ આવતો નથી.સ્થાનિક ગ્રાહકોએ વધુમાં આક્ષેપ કર્યો છે
કે જૂના કનેક્શનની સમસ્યાથી કંટાળી તેઓએ નવા કનેક્શન માટે ઓનલાઇન અરજી કરી અને કંપનીના નિયમ મુજબ ઓનલાઇન પેમેન્ટ પણ કર્યું, પરંતુ દિવસો વીતી ગયા છતાં કનેક્શન ઇન્સ્ટોલ કરવામાં આવ્યું નથી. કનેક્શન ન મળતા ગ્રાહકો દ્વારા રિફંડ માંગવામાં આવતા તેમને વધુ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રાહકોના જણાવ્યા મુજબ સ્થાનિક જિયો ઓફિસમાં સંપર્ક કરવા માટે અનેક વખત ફોન કરવા પડે છે. ૪ થી ૫ વખત ફોન કર્યા પછી જ કોઈ જવાબ મળે છે. જવાબદાર વ્યક્તિઓ તરફથી સ્પષ્ટ માહિતી આપવાને બદલે અલગ અલગ નંબર આપવામાં આવે છે અને અંતે એવું કહેવામાં આવે છે કે “અમારા હાથમાં માત્ર મેઈલ કરવાની ઓથોરિટી છે.”આ મામલે સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે જો ગ્રાહકોને સમયસર સેવા ન મળે તો પછી ઓનલાઇન પેમેન્ટ લેવામાં શું ઉતાવળ ? ગ્રાહકોના પૈસા લઈ સેવા ન આપવી અને ત્યારબાદ રિફંડ માટે ૧૨ થી ૧૫ દિવસ રાહ જોવડાવવી કેટલું યોગ્ય ?સ્થાનિક લોકોમાં ચર્ચા ચાલી રહી છે કે મોટી કંપની હોવા છતાં ભચાઉ વિસ્તારમાં ગ્રાહકોને યોગ્ય સેવા કેમ આપવામાં આવતી નથી ? ગ્રાહકોની ફરિયાદો સાંભળવા અને તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે કોઈ જવાબદાર અધિકારી મેદાનમાં કેમ ઉતરતા નથી ?ભચાઉના અનેક ગ્રાહકો હવે કંટાળી ગયા હોવાનું સામે આવ્યું છે. કેટલાક ગ્રાહકો પોતાના જ પૈસા પરત મેળવવા માટે મીડિયા અને સ્થાનિક સમાચાર ચેનલોનો સહારો લેવા મજબૂર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. ગ્રાહકોનું કહેવું છે કે જ્યારે કંપની અને સ્થાનિક ઓફિસ યોગ્ય જવાબ ન આપે ત્યારે પોતાની વ્યથા લોકો સુધી પહોંચાડવા માટે મીડિયાનો સહારો જ એકમાત્ર રસ્તો રહે છે.આ સમગ્ર મામલે હવે ગ્રાહકો દ્વારા માંગ ઉઠી રહી છે કે ભચાઉ વિસ્તારમાં જિયો વાઇફાઇ સેવાની તાત્કાલિક સમીક્ષા કરવામાં આવે, બંધ પડેલા કનેક્શનોનો ઉકેલ લાવવામાં આવે, ગ્રાહકોને યોગ્ય સર્વિસ આપવામાં આવે અને રિફંડ પ્રક્રિયા પારદર્શક તથા ઝડપી બનાવવામાં આવે.હવે જોવાનું એ રહ્યું કે જિયો કંપનીના ઉચ્ચ અધિકારીઓ ભચાઉના ગ્રાહકોની સમસ્યાને ગંભીરતાથી લઈને કોઈ કાર્યવાહી કરશે કે પછી ગ્રાહકોને આવનારા સમયમાં પણ આવી જ હાલાકીનો સામનો કરવો પડશે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top