PGVCLની લાપરવાહી, ભચાઉના હિંમતપુરામાં જીવતો વીજ વાયર નીચે તૂટી પડ્યો
May 18, 2026
0
ભચાઉ શહેરના હિંમતપુરા વિસ્તારમાં PGVCLની બેદરકારી સામે આવી છે. વિસ્તારમાં વીજ પુરવઠો આપતો જીવતો વીજ વાયર અચાનક તૂટી નીચે પડી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મોટી દુર્ઘટના ટળી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.સ્થાનિકોના જણાવ્યા મુજબ વિસ્તારમાં લાંબા સમયથી વીજ વાયર ઢીલા અને જોખમી હાલતમાં હતા છતાં PGVCL દ્વારા કોઈ યોગ્ય કામગીરી કરવામાં આવી ન હતી. જીવતો વાયર રસ્તા પર પડતા લોકોમાં દોડધામ મચી ગઈ હતી અને થોડા સમય માટે વિસ્તારમાં અવરજવર પણ બંધ થઈ ગઈ હતી.સ્થાનિકોએ તાત્કાલિક PGVCLને જાણ કરતા વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો. લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો સમયસર જર્જરિત વાયર અને વીજ લાઈનનું મેન્ટેનન્સ કરવામાં આવ્યું હોત તો આવી ઘટના ટાળી શકાય તેમ હતી.હિંમતપુરા વિસ્તારના રહિશોએ PGVCL પાસે તાત્કાલિક તમામ જોખમી વીજ લાઈનોની તપાસ કરી જરૂરી મરામત કામગીરી હાથ ધરવાની માંગ કરી છે.
Share to other apps

