ભચાઉ ખાતે “નાગરિક જન સહાયતા કેન્દ્ર” નો પ્રારંભ
May 18, 2026
0
કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીની સૂચના મુજબ ભચાઉ તાલુકા/શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓની માહિતી તેમજ સહાયતા માટે ભચાઉ મામલતદાર કચેરી પાસે “નાગરિક જન સહાયતા કેન્દ્ર” નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. રાપર વિધાનસભાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ના વરદ હસ્તે આ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ સામાન્ય નાગરિકો સુધી સરળતાથી પહોંચે તે માટે આ સહાયતા કેન્દ્ર મહત્વપૂર્ણ સાબિત થશે. કેન્દ્ર મારફતે લોકોને વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન અને જરૂરી સહાયતા પૂરી પાડવામાં આવશે.કાર્યક્રમમાં કચ્છ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ જનકસિંહ જાડેજા, અરજણભાઈ રબારી, નાની ચીરાઈ જિલ્લા પંચાયત સભ્ય વાઘજીભાઈ છાંગા, વિકાસભાઈ રાજગોર, ભચાઉ નગર પાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ તેમજ ભચાઉ શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિશાલભાઈ કોટક સહિત ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Share to other apps

