ભચાઉ તાલુકાના ભરૂડીયા, કકરવા અને આધોઈ સીમ વિસ્તારમાં બેફામ ગેરકાયદેસર રેતી ચોરી સામે કડક કાર્યવાહી કરવાની માંગ

0
ભચાઉ તાલુકાના ભરૂડીયા, આધોઈ અને કકરવા સીમ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે કોઈપણ જાતની લીઝ વિના રેતી તેમજ કિંમતી ખનિજોની મોટા પાયે ચોરી કરવામાં આવી રહી હોવાના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. દિવસ-રાત ભારે વાહનો અને મશીનો દ્વારા ખુલ્લેઆમ બિનઅધિકૃત ખનન અને પરિવહન થતું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે.સ્થાનિકોના આક્ષેપ મુજબ ગેરકાયદેસર રેતી ચોરી સાથે સંકળાયેલા દબંગ અને અસામાજિક તત્વો દ્વારા વિસ્તારમાં ડર અને દહેશતનો માહોલ ઉભો કરવામાં આવ્યો છે. ખુલ્લેઆમ ધારદાર હથિયારો સાથે ચોકીદારી રાખવામાં આવતી હોવાના આક્ષેપોથી ગામલોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.આ ગેરકાયદેસર પ્રવૃત્તિના કારણે સરકારને લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. સરકારી તિજોરીમાં જવાના રૂપિયા અસામાજિક અને દેશદ્રોહી તત્વો કમાઈ રહ્યા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. સાથે સાથે કુદરતી પર્યાવરણને નુકસાન પહોંચતું હોવા ઉપરાંત ગામના રસ્તાઓ ખરાબ હાલતમાં પહોંચી ગયા છે અને બેફામ પ્રદૂષણના કારણે સ્થાનિક લોકોના જનજીવન ઉપર ગંભીર અસર પડી રહી છે.સ્થાનિક લોકોનું કહેવું છે કે અનેક વખત મૌખિક રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે ખનિજ ચોરી કરતા તત્વો વધુ બેફામ બન્યા છે.આથી સ્થાનિક લોકો દ્વારા માંગ કરવામાં આવી છે કે આધોઈ, ભરૂડીયા અને કકરવા સીમ વિસ્તારમાં ચાલી રહેલી ગેરકાયદેસર રેતી અને ખનિજ ચોરી અંગે તાત્કાલિક તપાસ હાથ ધરી વિસ્તારમાં દોડતા ડમ્પરો, હિટાચી, ટ્રેક્ટર સહિતના વાહનો ડિટેઇન કરવામાં આવે તેમજ જવાબદાર તત્વો સામે કડક કાયદેસરની અને પોલીસ કાર્યવાહી કરવામાં આવે. સાથે સાથે જવાબદાર રેતીચોરોના નામ જાહેર કરી ગેરકાયદેસર ખનન તાત્કાલિક બંધ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.સ્થાનિકોએ ચીમકી ઉચ્ચારી છે કે જો સાત દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય અને સરકારી ખનિજોની ચોરી અટકાવવામાં નહીં આવે તો નાછૂટકે ઉગ્ર આંદોલન સાથે ભચાઉ મામલતદાર કચેરી સામે અચોક્કસ મુદત સુધી ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top