ભચાઉ તાલુકા પંચાયતની નવી બોડીમાં પંચાયતી ધારા મુજબ ઓફિસ ફાળવણી અને મહિલા સશક્તિકરણ મુદ્દે રજૂઆત

0
ભચાઉ તાલુકા પંચાયતની નવી બોડી રચાનાર હોવાના પગલે પંચાયતી ધારા અને બંધારણીય જોગવાઈઓ મુજબ પદાધિકારીઓ તથા સભ્યોને ઓફિસોની ફાળવણી કરવા માંગ ઉઠી છે. વિરોધ પક્ષના નેતા દ્વારા તાલુકા વિકાસ અધિકારીને સંબોધી રજૂઆત કરવામાં આવી છે કે પંચાયત વ્યવસ્થામાં લોકશાહી અને સ્ત્રી સશક્તિકરણને મજબૂત બનાવતા નિર્ણયો લેવામાં આવે.રજૂઆતમાં જણાવાયું છે કે વર્ષોથી એવી નકારાત્મક પરંપરા ચાલી આવી છે કે મહિલા હોદ્દેદારો ચૂંટાઈ આવ્યા બાદ તેમના સ્થાને પતિ અથવા અન્ય પુરુષો દ્વારા વહિવટ કરવામાં આવે છે.
હાલ ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ પદ અઢી વર્ષ માટે મહિલા અનામત હોવાથી મહિલા પ્રમુખ અને અન્ય મહિલા સભ્યો સ્વતંત્ર રીતે કામ કરી શકે તે માટે તટસ્થ અને નિષ્પક્ષ વહીવટ કરવાની માંગ કરવામાં આવી છે.સાથે જ પંચાયતી ધારા મુજબ તાલુકા પંચાયત પ્રમુખ અને સામાજિક ન્યાય સમિતિના હોદ્દેદારોને સ્વતંત્ર ઓફિસ ફાળવવાની જોગવાઈનો ઉલ્લેખ કરી અન્ય હોદ્દેદારોને જો અલગ ઓફિસ કે ટેબલ ફાળવવામાં આવે તો વિરોધ પક્ષના નેતાને પણ સમાન સુવિધા આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં ખાસ ભાર મૂકાયો છે કે સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની ઓફિસ સંપૂર્ણ સ્વતંત્ર રીતે કાર્ય કરી શકે અને તાલુકાભરના દબાયેલા તથા વંચિત વર્ગોના પ્રશ્નો માટે સશક્ત અવાજ બની રહે તે માટે વહીવટી તંત્ર ખાસ તકેદારી રાખે.અંતમાં ભચાઉ તાલુકામાં મહિલા ધારાસભ્ય અને મહિલા પ્રાંત અધિકારી સફળતાપૂર્વક કામગીરી બજાવી રહ્યા હોવાના ઉલ્લેખ સાથે મહિલા પ્રમુખને પણ સ્વતંત્ર રીતે કામ કરવાની તક અને સહયોગ મળે તેવી શુભેચ્છા વ્યક્ત કરવામાં આવી છે. સાથે ભચાઉ તાલુકા પંચાયત કચ્છ જિલ્લામાં સૌથી સફળ પંચાયત બને તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top