ભચાઉનું તંત્ર ગહેરી ઉંઘમાં કેમ ? શું કોઈના જીવ જશે ત્યારે જાગશે ?

0
ભચાઉ શહેરમાં રેલ્વે ઓવરબ્રિજથી લઈને સરકારી હોસ્પિટલ સુધીનો માર્ગ હવે અકસ્માતોના હોટસ્પોટ તરીકે ઓળખાવા લાગ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી સતત બાઇક ચાલકો સ્લીપ થઈ ઇજાગ્રસ્ત થવાના બનાવો સામે આવી રહ્યા છે. સ્થાનિકોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ અકસ્માતોની સંખ્યા 30ને પાર પહોંચી ગઈ હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. છતાં પણ ભચાઉનું તંત્ર હજુ સુધી કોઈ કડક પગલાં લેતું નથી તે મુદ્દે ભારે રોષ ફેલાયો છે.સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ રાત્રિના સમયે મીઠાથી ભરેલા ઓવરલોડ ટ્રક અને ડમ્પરો બેફામ રીતે પસાર થાય છે.
આ વાહનોમાંથી રસ્તા ઉપર મીઠું ફેલાઈ જતાં રોડ અત્યંત પલળો બની જાય છે, જેના કારણે બાઇક ચાલકોના વાહનો સ્લીપ થઈ અકસ્માત સર્જાઈ રહ્યા છે. અનેક લોકોને હાથ-પગ અને શરીરના ભાગોમાં નાની મોટી ઇજાઓ પહોંચી રહી છે. છતાં જવાબદાર વિભાગો હજુ સુધી માત્ર મૌન દર્શક બની બેઠા છે.લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે શું ભચાઉમાં નિયમો સરકારના છે કે પછી મીઠા માફિયાઓના? કારણ કે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કરતા ઓવરલોડ વાહનો સામે કોઈ કાર્યવાહી થતી દેખાતી નથી. નાયબ કલેક્ટર, મામલતદાર, પોલીસ વિભાગ અને ફોરેસ્ટ વિભાગની કામગીરી સામે પણ હવે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.લોકોનું કહેવું છે કે જ્યારે જ્યારે “સરપ્રાઈઝ ચેકીંગ”ની જાહેરાત થાય છે ત્યારે સામાન્ય વાહનચાલકો અને નાના વેપારીઓ સામે કાર્યવાહી થાય છે, પરંતુ મીઠાના ઓવરલોડ વાહનો સામે કડક કાર્યવાહી કેમ થતી નથી? શું આ વાહનોને કોઈ રાજકીય કે તંત્રની છત્રછાયા મળી રહી છે? તેવા સવાલો હવે જાહેરમાં ચર્ચાઈ રહ્યા છે.ફોરેસ્ટ વિભાગ સામે પણ લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. રણ વિસ્તારમાં દબાણ, ગેરકાયદેસર પરિવહન અને મીઠાના વાહનોની બેફામ અવરજવર સામે ફોરેસ્ટ વિભાગ આંખ આડા કાન કરી રહ્યું છે કે શું? તેવા સવાલો લોકો પુછી રહ્યા છે. અનેક લોકોનું કહેવું છે કે અધિકારીઓ હવે મેદાનમાં ઉતરી કાર્યવાહી કરવા કરતા માત્ર ચેમ્બરમાં બેસીને આરામ કરવામાં વ્યસ્ત છે.ભચાઉના મુખ્ય માર્ગ ઉપર દરરોજ સર્જાતા અકસ્માતોના કારણે સામાન્ય વાહનચાલકોમાં ભયનો માહોલ છે. ખાસ કરીને રાત્રિના સમયે પસાર થનારા બાઇક ચાલકો માટે આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે.
જો સમયસર પગલાં નહીં લેવાય તો કોઈ નિર્દોષ વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે તેવી ચિંતા લોકો વ્યક્ત કરી રહ્યા છે.સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક ઓવરલોડ વાહનો સામે ખાસ ડ્રાઈવ ચલાવવામાં આવે, રોડ ઉપર ફેલાયેલા મીઠાની સફાઈ કરવામાં આવે, રાત્રિના સમયે પેટ્રોલિંગ વધારવામાં આવે અને નિયમોનો ભંગ કરનાર વાહનચાલકો સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવે.હવે સૌથી મોટો પ્રશ્ન એ ઉભો થઈ રહ્યો છે કે શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના અને કોઈ નિર્દોષના મોતની રાહ જોઈ રહ્યું છે? શું કોઈનો જીવ જશે ત્યાર પછી જ ભચાઉના જવાબદાર વિભાગોની આંખ ખુલશે?
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top