"લુણવામાં રેતી-માટી ચોરીનો કાળો કારોબાર, ખનિજ વિભાગ ઊંઘમાં કે મૌન સમર્થનમાં?"
June 02, 2026
0
લુણવા વિસ્તારમાં છેલ્લા લાંબા સમયથી રેતી અને માટી ચોરીનો ગેરકાયદેસર કારોબાર ધમધમી રહ્યો હોવાના ગંભીર આક્ષેપો સામે આવી રહ્યા છે. સ્થાનિક લોકોમાં ચર્ચા છે કે કેટલાક તત્વો દ્વારા દિવસ-રાત કુદરતી સંપત્તિની લૂંટ ચલાવવામાં આવી રહી છે, છતાં જવાબદાર વિભાગો તરફથી કોઈ અસરકારક કાર્યવાહી થતી દેખાતી નથી.સ્થાનિકોમાં એવો સવાલ ઉઠી રહ્યો છે કે જો વિસ્તારમાં ખુલ્લેઆમ ટ્રેક્ટરો અને વાહનો મારફતે રેતી અને માટીનું પરિવહન થઈ રહ્યું હોય
તો પૂર્વ કચ્છ ખનિજ વિભાગના અધિકારીઓને તેની જાણ કેમ નથી? શું વિભાગના અધિકારીઓને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ દેખાતી નથી કે પછી જાણ હોવા છતાં આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે?લોકોમાં ચર્ચા છે કે ગોપાલ નામના વ્યક્તિનું નામ આ સમગ્ર મામલામાં સામે આવી રહ્યું છે. જો આ ચર્ચાઓમાં કોઈ સત્યતા હોય તો તંત્રએ તાત્કાલિક તપાસ કરીને હકીકત જાહેર કરવી જોઈએ. જો આક્ષેપો ખોટા હોય તો પણ સત્ય લોકો સમક્ષ આવવું જોઈએ.ખનિજ સંપત્તિની ચોરી માત્ર સરકારી આવકને નુકસાન પહોંચાડતી નથી, પરંતુ પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડે છે. સતત થતું ગેરકાયદેસર ખનન જમીનની ગુણવત્તા, પાણીના સ્ત્રોતો અને સ્થાનિક પર્યાવરણ માટે ખતરો બની શકે છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે અનેક વખત રજૂઆતો છતાં કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગેરકાયદેસર ખનન કરનાર તત્વોના હૌસલા વધુ બુલંદ બન્યા હોવાનું માનવામાં આવે છે.હવે સવાલ એ છે કે પૂર્વ કચ્છ ખનિજ વિભાગ ક્યારે જાગશે? શું જવાબદાર અધિકારીઓ માત્ર ઓફિસોમાં બેસીને કાગળ પરની કામગીરી કરશે કે પછી મેદાનમાં ઉતરીને ગેરકાયદેસર ખનન સામે કડક કાર્યવાહી કરશે?લુણવાની જનતા માંગ કરી રહી છે કે સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવામાં આવે, ગેરકાયદેસર ખનનમાં સંડોવાયેલા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને ખનિજ વિભાગની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવે.
Share to other apps

