વાગડ તરસે છે અને નર્મદાનું પાણી વહી જાય છે, ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા શું કરશે?

0
રાપર-વાગડ વિસ્તારમાં નર્મદાની મુખ્ય પાણી પુરવઠા પાઈપલાઈનમાં ગાબડું પડતાં મોટી માત્રામાં પીવાનું પાણી નકામું વહીને દરિયામાં ભળી ગયું હોવાની ઘટના સામે આવી છે. પાઈપલાઈન તૂટતા પાણીનો ફોર્સ એટલો પ્રચંડ હતો કે જાણે નદી વહેતી હોય તેમ આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હતું.આ ઘટનાના કારણે લાખો લીટર કિંમતી પીવાનું પાણી વેડફાઈ જતાં સ્થાનિક લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે એક તરફ વાગડ વિસ્તારના ગામડાઓ અને શહેરોમાં પાણીની અછત છે, પાણીના કાપ મુકવામાં આવી રહ્યા છે અને લોકો પાણી માટે વલખાં મારી રહ્યા છે, ત્યારે બીજી તરફ નર્મદાનું અમૂલ્ય પાણી તંત્રની બેદરકારીના કારણે નકામું વહી જવું ગંભીર બાબત છે.સ્થાનિકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો સમયસર પાઈપલાઈનનું નિરીક્ષણ અને જાળવણી કરવામાં આવી હોત તો આટલો મોટો પાણીનો બગાડ અટકાવી શકાય તેમ હતો. કરોડોના ખર્ચે કચ્છ સુધી પહોંચાડવામાં આવતું નર્મદાનું પાણી આ રીતે વેડફાવું એ જવાબદાર તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા કરે છે.વાગડ વિસ્તારના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરે અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી સાથે પાઈપલાઈનના સમારકામ અને જાળવણી માટે કડક પગલાં ભરાવે તેવી માંગ સ્થાનિક લોકો દ્વારા ઉઠાવવામાં આવી રહી છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top