પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના બે પુત્રો વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ, SP-IGને રજૂઆતથી રાજકીય માહોલ ગરમાયો
July 26, 2026
0
કચ્છના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે. પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઈ આહિરના બે પુત્રો સામે ગંભીર આક્ષેપો સાથે પોલીસ તંત્ર સમક્ષ રજૂઆત થતાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અરજદાર યોગેશ ગોયલે પોલીસ અધિક્ષક (SP) અને પોલીસ મહાનિરીક્ષક (IG)ને લેખિત અરજી આપી કાયદેસરની કાર્યવાહી અને ન્યાયની માંગ કરી છે.અરજીમાં જણાવ્યા મુજબ, પૂર્વ રાજ્યમંત્રીના પુત્રોએ અરજદારની માલિકીની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો કરવાનો પ્રયાસ કર્યો હતો.
ઉપરાંત સ્થળ પર થયેલું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. અરજદારનો દાવો છે કે વિરોધ કરતાં તેમની સાથે દાદાગીરી કરવામાં આવી, ધાક-ધમકી આપવામાં આવી તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.અરજદારે પોતાની અરજીમાં સમગ્ર ઘટનાની નિષ્પક્ષ તપાસ કરી જવાબદાર લોકો સામે ભારતીય કાયદા મુજબ ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ પોતાની અને પરિવારની સુરક્ષા માટે પણ પોલીસ રક્ષણ આપવાની વિનંતી કરી છે.આ મામલો સામાન્ય જમીન વિવાદથી આગળ વધીને રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. પૂર્વ રાજ્યમંત્રીના પરિવારનું નામ સામે આવતા લોકોમાં એ ચર્ચા પણ શરૂ થઈ છે કે શું પોલીસ તંત્ર કોઈપણ પ્રકારના રાજકીય દબાણ વિના નિષ્પક્ષ કાર્યવાહી કરશે કે નહીં. કાયદો દરેક માટે સમાન છે કે નહીં તેવો પ્રશ્ન પણ લોકોમાં ઉઠી રહ્યો છે.વિસ્તારમાં એવી પણ ચર્ચા છે કે જો સામાન્ય નાગરિક સામે આવા પ્રકારના આક્ષેપો થયા હોત તો પોલીસ દ્વારા તાત્કાલિક ફરિયાદ નોંધાઈ હોત કે નહીં. હવે સૌની નજર પોલીસ વિભાગ પર છે કે રજૂઆતના આધારે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવશે, ફરિયાદ નોંધાશે કે નહીં અને જો ગુનાહિત તથ્યો સામે આવશે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી થશે કે નહીં.અરજદાર યોગેશ ગોયલે જણાવ્યું છે કે તેમને કાયદા અને ન્યાયતંત્ર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને પોલીસ તંત્ર નિષ્પક્ષ રીતે તપાસ કરીને તેમને ન્યાય અપાવશે તેવી આશા છે.
Share to other apps

