ગાગોદર પાસે SMCનો મેગા દરોડો: ખોટી નંબર પ્લેટવાળા ટ્રેલરમાંથી ₹48.35 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, ₹78.57 લાખનો મુદ્દામાલ જપ્ત

0
પૂર્વ કચ્છના રાપર તાલુકાના ગાગોદર ગામ નજીક સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા વિદેશી દારૂની હેરાફેરી સામે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોક્કસ બાતમીના આધારે ગાગોદર નજીક આવેલી જય ગોગા રાજસ્થાની હોટલના પાર્કિંગમાં ઊભેલા ખોટી નંબર પ્લેટ ધરાવતા ટ્રેલરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ટ્રેલરના ડ્રાઈવર અને ક્લીનરની ધરપકડ કરી કુલ ₹78.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.મળતી માહિતી મુજબ, ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સ્થળ પર પહોંચી હતી. તપાસ દરમિયાન ટ્રેલરના પાછળના ભાગમાં કાળા પ્લાસ્ટિકના મીણિયા નીચે વાદળી રંગની પ્લાસ્ટિકની થેલીઓમાં સંતાડીને રાખવામાં આવેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસ તપાસમાં ખુલાસો થયો કે ટ્રેલર પર ગુજરાત પાસિંગની ખોટી નંબર પ્લેટ GJ-08-Y-7835 લગાવવામાં આવી હતી, જ્યારે ટ્રેલરનો અસલી નંબર RJ-19-GJ-3940 હોવાનું અને તે રાજસ્થાનના બાડમેરનું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે.આરોપીઓની પૂછપરછ દરમિયાન દારૂની ડિલિવરી માટે "જય માતાજી" કોડવર્ડ નક્કી કરવામાં આવ્યો હતો.
સામખિયાળી ટોલ પ્લાઝા પાર કર્યા બાદ નિર્ધારિત સ્થળે ફોન કરીને કોડવર્ડ બોલનાર વ્યક્તિને જ ટ્રેલર સોંપવાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેલર પહોંચાડવા બદલ ડ્રાઈવરને ₹30,000 અને ક્લીનરને ₹5,000 આપવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.SMCની ટીમે ટ્રેલરમાંથી કુલ 13,500 બોટલ વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે, જેની કિંમત અંદાજે ₹48.35 લાખ થાય છે. ઉપરાંત ₹30 લાખનું ટ્રેલર, ₹11,930 રોકડ અને બે મોબાઈલ ફોન સહિત કુલ ₹78,57,666નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.આ મામલે ગાગોદર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ B.N.S.S.ની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે ટ્રેલરના ડ્રાઈવર શ્રવણકુમાર પુરારામજી મેઘવાલ અને ક્લીનર ચેનારામ ડાલુરામ જાટની ધરપકડ કરી છે. જ્યારે દારૂનો જથ્થો મોકલનાર મુખ્ય સૂત્રધાર નારાયણ દિપારામ જાટ તથા સામખિયાળી ખાતે દારૂ સ્વીકારનાર અજાણ્યો શખ્સ ફરાર હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.આ સમગ્ર કેસની વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર માંડાભાઈ જીવાભાઈ હોણ ચલાવી રહ્યા છે. SMCની આ સફળ કાર્યવાહીથી ખોટી નંબર પ્લેટ અને કોડવર્ડનો ઉપયોગ કરીને ગુજરાતમાં દારૂની હેરાફેરી કરવાના મોટા રેકેટનો પર્દાફાશ થયો છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top