ચોમાસાએ ખુલ્લી પાડી તંત્રની પોલ, પ્રસુતાને ટ્રેક્ટરમાં નદી પાર કરાવી હોસ્પિટલ પહોંચાડાઈ

0
કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાગતર ગામમાં ચોમાસાની વચ્ચે માનવતા અને તંત્રની બેદરકારીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પ્રસુતિની ગંભીર પીડામાં રહેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ પહોંચાડવા માટે પરિવારજનોને જીવના જોખમે ટ્રેક્ટરમાં બેસાડી ધસમસતી નદી પાર કરવી પડી હતી. લગભગ સાડા ચાર કલાક સુધી ચાલેલા આ સંઘર્ષ બાદ મહિલા હોસ્પિટલ પહોંચી અને સ્વસ્થ બાળકને જન્મ આપ્યો.મળતી માહિતી મુજબ, નાગતર ગામના મનીષભાઈ ઠાકોરની પત્ની આશાબેનને સાંજે લગભગ 7 વાગ્યે પ્રસુતિની પીડા શરૂ થતાં પરિવારજનોએ તાત્કાલિક 108 ઇમરજન્સી સેવાનો સંપર્ક કર્યો હતો.
108ની ટીમે ગામ સુધી પહોંચવા માટે સણવા, મોડા અને લાખાગઢ સહિતના ત્રણ અલગ-અલગ માર્ગોનો પ્રયાસ કર્યો, પરંતુ ફલકું નદીમાં આવેલા ઘોડાપૂર, કેનાલના ઓવરફ્લો અને કરકલીયા નદીના તેજ પ્રવાહને કારણે તમામ માર્ગો બંધ થઈ ગયા હતા.મહિલાની સતત બગડતી સ્થિતિને જોતા પરિવારજનોએ આખરે જોખમ ઉઠાવી આશાબેનને ટ્રેક્ટરમાં બેસાડી ધસમસતા પાણી વચ્ચે કરકલીયા નદી પાર કરાવી હતી. પાણી ટ્રેક્ટરના બોનેટ સુધી પહોંચી ગયું હોવા છતાં પરિવાર સફળતાપૂર્વક સામે કાંઠે ઉભેલી 108 એમ્બ્યુલન્સ સુધી પહોંચ્યો હતો. ત્યારબાદ આશાબેનને પલાસવા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રાત્રે લગભગ 11:30 વાગ્યે તેમણે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.જોકે મુશ્કેલીઓ અહીં પૂરી થઈ નહોતી. પ્રસુતિ બાદ સરકારી 'ખિલખિલાટ' વાહન માતા અને નવજાતને ઘરે પહોંચાડવા નીકળ્યું, પરંતુ નદીમાં પાણી યથાવત હોવાથી વાહન સણવા સુધી જ જઈ શક્યું. ત્યારબાદ પરિવારજનોએ ખાનગી વાહનની વ્યવસ્થા કરી ભારે મુશ્કેલી વચ્ચે માતા અને બાળકને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડ્યા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ નાગતર ગામ છેલ્લા ઘણા વર્ષોથી રોડ અને પુલના અભાવે ચોમાસામાં ટાપુ સમાન બની જાય છે. વર્ષ 2015ના પૂરમાં આખું ગામ ખાલી કરવું પડ્યું હતું અને ગયા વર્ષે પણ એક દર્દીને 11 યુવાનોએ પોતાના ખભા પર ઊંચકીને ધસમસતી નદી પાર કરાવી હોસ્પિટલ પહોંચાડ્યો હતો.186 પરિવારોની વસ્તી ધરાવતા નાગતર ગામમાં રોડ અને પુલના કામો છેલ્લા બે વર્ષથી મંજૂર હોવા છતાં કામગીરી શરૂ થઈ નથી. આ ઘટનાને પગલે ગ્રામજનોએ તંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરતાં સણવા-નાગતર વચ્ચે ફલકું નદી પર તાત્કાલિક ઊંચો પુલ તેમજ લાખાગઢ તરફ પાકા રસ્તાનું નિર્માણ કરવાની માંગ ઉઠાવી છે, જેથી ભવિષ્યમાં કોઈને આવી જીવલેણ પરિસ્થિતિનો સામનો ન કરવો પડે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top