વોંધમાં બુટલેગરનો સરકારી જમીન પર કથિત કબજો, તંત્રની ચૂપકીદીથી ઉઠ્યા અનેક સવાલો

0
ભચાઉ તાલુકા નજીક આવેલ વોંધ ગામમાં એક તરફ પોલીસ દ્વારા બુટલેગરો સામે સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ સરકારી જમીન પર થઈ રહેલા કથિત ગેરકાયદેસર દબાણને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ ગામ વિસ્તારમાં એક જાણીતા બુટલેગર દ્વારા સરકારી જમીન પર સતત દબાણ કરવામાં આવી રહ્યું છે અને દિવસે ને દિવસે આ દબાણનું ક્ષેત્રફળ વધતું જઈ રહ્યું છે.સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ વ્યક્તિ સામે અગાઉ પણ અનેક વખત પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હોવાના બનાવો સામે આવ્યા છે. તેમ છતાં સરકારી જમીન પર થયેલા કથિત દબાણને દૂર કરવા માટે કોઈ અસરકારક કાર્યવાહી જોવા મળતી નથી. જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ રહી છે.
ગામના જાગૃત નાગરિકોનું કહેવું છે કે સરકારી જમીન પ્રજાની મિલકત છે અને તેના પર કોઈપણ વ્યક્તિ દ્વારા ગેરકાયદેસર કબજો કરવામાં આવે તો તંત્રએ તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ. પરંતુ અહીં સ્થિતિ એવી છે કે દબાણ સતત વધી રહ્યું છે અને જવાબદાર વિભાગો માત્ર મૌન દર્શક બની રહ્યા હોય તેવું લાગી રહ્યું છે.સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે કે જો સામાન્ય ગરીબ માણસ સરકારી જમીન પર નાનું દબાણ કરે તો તંત્ર તરત જ કાર્યવાહી માટે દોડી આવે છે, પરંતુ લાખો રૂપિયાની કિંમતી જમીન પર કથિત રીતે થઈ રહેલા આ મોટા દબાણ સામે હજુ સુધી કોઈ કડક પગલાં કેમ લેવાયા નથી? શું જવાબદાર અધિકારીઓને આ દબાણ દેખાતું નથી? કે પછી કોઈના દબાણ અથવા પ્રભાવના કારણે કાર્યવાહી અટકાવવામાં આવી રહી છે?હવે લોકો માંગ કરી રહ્યા છે કે મહેસૂલ વિભાગ, ગ્રામ પંચાયત અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સ્થળ તપાસ કરી હકીકતો જાહેર કરવામાં આવે અને જો સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ થયું હોય તો તેને તાત્કાલિક દૂર કરવામાં આવે. લોકો એ પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે શું આ દબાણ ઉપર પણ દાદાનો બુલડોઝર ચાલશે કે પછી નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે?વોંધ ગામમાં ચાલી રહેલા આ સમગ્ર મામલે હવે લોકોની નજર જવાબદાર તંત્રની આગામી કાર્યવાહી પર મંડાયેલી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top