વિશ્વ પર્યાવરણ દિવસે વૃક્ષારોપણના દેખાવ, જ્યારે તુણાથી જંગી સુધી કાંઠા વિસ્તારમાં વૃક્ષોનો થઈ રહ્યો છે નાશ !
June 05, 2026
0
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે આજે રાજકીય આગેવાનો, સરકારી અધિકારીઓ, વિવિધ સંસ્થાઓ અને ઉદ્યોગપતિઓ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. વૃક્ષો વાવીને ફોટોગ્રાફી કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયામાં પર્યાવરણ બચાવવાના સંદેશાઓ વહેતા કરવામાં આવી રહ્યા છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું માત્ર એક દિવસના વૃક્ષારોપણથી પર્યાવરણ બચી જશે?પૂર્વ કચ્છના તુણાથી જંગી સુધીના કાંઠા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી વૃક્ષોનો બેફામ નાશ થઈ રહ્યો હોવાના ગંભીર આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સોલ્ટ ઉદ્યોગોના વિસ્તરણ અને જમીનો પર કબજો જમાવવાની લાલચમાં મોટા પ્રમાણમાં વૃક્ષો કાપવામાં આવી રહ્યા છે. નીલકંઠ સોલ્ટ સહિત અન્ય કેટલાક સોલ્ટ એકમોના નામ પણ ચર્ચામાં છે, પરંતુ જવાબદાર વિભાગો દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી થતી ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે.કાંઠા વિસ્તારમાં આવેલ ફોરેસ્ટ વિભાગ અને KPTની કિંમતી જમીનો પર પણ ભૂમાફિયાઓ અને મીઠા માફિયાઓએ ધીમે ધીમે કબજો જમાવ્યો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. પર્યાવરણની સુરક્ષા માટે જવાબદાર તંત્રની આંખો સામે જ વૃક્ષો કાપવામાં આવે, કુદરતી સંપત્તિનો નાશ કરવામાં આવે અને સરકારી જમીનો પર દબાણ ઉભા કરવામાં આવે તો સામાન્ય નાગરિકો અનેક સવાલો ઉઠાવી રહ્યા છે.એક તરફ લાખો રૂપિયાના ખર્ચે વૃક્ષારોપણના કાર્યક્રમો યોજાય છે, જ્યારે બીજી તરફ વર્ષો જૂના વૃક્ષોને મૂળ સહિત ઉખેડી નાખવામાં આવે છે. નવા છોડ વાવવાથી ફોટા અને સમાચારો તો મળી શકે, પરંતુ દાયકાઓ જૂના વૃક્ષોના વિનાશની ભરપાઈ શક્ય નથી. પર્યાવરણને સાચવવું હોય તો માત્ર વૃક્ષો વાવવાથી નહીં, પરંતુ હાલના વૃક્ષોને બચાવવાથી પણ શક્ય બને.સ્થાનિક લોકોમાં એવી પણ ચર્ચા છે કે જો કાંઠા વિસ્તારમાં થઈ રહેલા વૃક્ષોના નાશ અંગે નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારી હકીકતો બહાર આવી શકે છે. પર્યાવરણ બચાવવાના મોટા મોટા દાવા કરનારાઓએ પહેલા કાંઠા વિસ્તારમાં થઈ રહેલા આ વિનાશ સામે અવાજ ઉઠાવવો જોઈએ.વિશ્વ પર્યાવરણ દિવસની સાચી ઉજવણી ત્યારે જ ગણાશે જ્યારે વૃક્ષારોપણના ફોટા પાડવા કરતાં વૃક્ષો કાપનારાઓ સામે કડક કાર્યવાહી થશે, સરકારી જમીનો પરના દબાણ દૂર થશે અને કાંઠા વિસ્તારની હરિયાળીને બચાવવા માટે નક્કર પગલાં લેવામાં આવશે. નહીં તો દર વર્ષે પર્યાવરણ દિવસ આવશે, ફોટા પડાશે, ભાષણો થશે અને બીજી તરફ કુદરતનો વિનાશ યથાવત રહેશે.
Share to other apps

