સામખિયાળીમાં કરોડોની સરકારી જમીન પર કથિત દબાણનો મુદ્દો ગરમાયો: ગૌચર, તળાવ અને સ્મશાનની જમીન અંગે તંત્ર સામે સવાલો

0
ભચાઉ તાલુકાના સામખિયાળી ગામમાં કરોડોની કિંમતની સરકારી અને જાહેર ઉપયોગની જમીનો પર થયેલા કથિત દબાણનો મુદ્દો ફરી ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. ગામની ગૌચર જમીન, સ્મશાન માટે અનામત જમીન, સામતસર તળાવ તથા જાહેરહિતની અન્ય જમીનોના ઉપયોગ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.સ્થાનિક અરજદારોના જણાવ્યા અનુસાર સરકારી માપણી અને નકશામાં કેટલાક સ્થળોએ કથિત દબાણ દર્શાવવામાં આવ્યા હોવા છતાં વર્ષો વીતી ગયા છતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે ગ્રામજનોમાં અસંતોષ અને અનેક પ્રશ્નો ઊભા થયા છે.
આક્ષેપો મુજબ ગૌચર, તળાવ અને અન્ય જાહેર ઉપયોગની જમીનો પર પેટ્રોલ પંપ, હોટલ, દુકાનો, કોમ્પલેક્ષ અને અન્ય બાંધકામો ઉભા થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે આ તમામ આક્ષેપોની સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે અને સંબંધિત પક્ષોનો પ્રતિસાદ મેળવવાનો પણ બાકી છે.સ્થાનિકોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે નાના અને ગરીબ લોકોના દબાણો સામે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ કરોડોની કિંમતની સરકારી જમીન સાથે જોડાયેલા મામલાઓમાં કાર્યવાહી કેમ વિલંબિત છે? આ પ્રશ્ન હવે જાહેર ચર્ચાનો વિષય બન્યો છે.ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર ઉપયોગની જમીનો પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે સમયાંતરે આપવામાં આવેલા આદેશો અને માર્ગદર્શિકાઓના પાલન અંગે પણ પ્રશ્નો ઊભા થયા છે. સ્થાનિકોની માંગ છે કે સમગ્ર મામલે નિષ્પક્ષ અને પારદર્શક તપાસ હાથ ધરવામાં આવે અને જો કોઈ ગેરકાયદેસર દબાણ કે નિયમભંગ સાબિત થાય તો નાના કે મોટા તમામ સામે કાયદા મુજબ સમાન કાર્યવાહી કરવામાં આવે.હવે સમગ્ર વિસ્તારમાં એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે જાહેર જમીનોના રક્ષણ માટે જવાબદાર તંત્ર ક્યારે સક્રિય બનશે અને કાયદાનો અમલ સૌ માટે સમાન રીતે થશે કે નહીં? ગ્રામજનોનું માનવું છે કે જાહેરહિતની જમીનોનું સંરક્ષણ અને કાયદાનું સમાન અમલીકરણ સુનિશ્ચિત કરવું સમયની માંગ બની ગઈ છે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top