ઊના કાંડને 10 વર્ષ પૂર્ણ: ન્યાય માટે ફરી હુંકાર, 11 જુલાઈએ અમદાવાદમાં દલિત મહાસંમેલનનું એલાન

0
ઊના કાંડને દસ વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકાર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું છે કે દસ વર્ષ વીતી ગયા છતાં પીડિત પરિવારોને સંપૂર્ણ ન્યાય મળ્યો નથી. તેમણે આરોપ લગાવ્યો કે તે સમયે સરકાર દ્વારા સરકારી નોકરી, ખેતીની જમીન અને રહેણાંક પ્લોટ આપવાના કરાયેલા વચનો આજે પણ અધૂરા છે.જિગ્નેશ મેવાણીએ જણાવ્યું કે ઊના કાંડ માત્ર એક પરિવાર પર થયેલો અત્યાચાર નહોતો, પરંતુ સમગ્ર દેશના દલિત સમાજના સ્વાભિમાન પર થયેલો હુમલો હતો. તેમણે કહ્યું કે પાટીદાર આંદોલન દરમિયાન નોંધાયેલા કેસો પરત ખેંચવામાં આવ્યા, પરંતુ દલિત આંદોલનકારીઓ અને ભાનુભાઈ વણકર પ્રકરણમાં નોંધાયેલા કેસો હજુ સુધી યથાવત રાખવામાં આવ્યા છે,
જે અન્યાયપૂર્ણ છે.તાજેતરમાં ઊના કાંડમાં આવેલા ચુકાદા અંગે અસંતોષ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે આ નિર્ણયથી ગુજરાતના લાખો દલિતોની લાગણી દુભાઈ છે. તેમણે રાજ્ય સરકારને પીડિતોના હિતમાં હાઈકોર્ટ અને જરૂર પડે તો સુપ્રીમ કોર્ટમાં પણ સત્તાવાર અપીલ દાખલ કરવાની માંગ કરી છે.મેવાણીએ વધુમાં જણાવ્યું કે ન્યાયની માંગને વધુ મજબૂત બનાવવા માટે આગામી 11 જુલાઈ, શનિવારે બપોરે 2:00થી 6:00 વાગ્યા સુધી અમદાવાદના નિકોલ સ્થિત મંગલ પાંડે હોલ ખાતે દલિત મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરની દલિત સંસ્થાઓ, સંગઠનો અને સમાજના આગેવાનોને મોટી સંખ્યામાં હાજર રહી એકતા દર્શાવવા આહ્વાન કરવામાં આવ્યું છે.તેમણે જણાવ્યું કે દસ વર્ષ પછી પણ પીડિત પરિવારોને ન્યાય અપાવવા અને સરકારને પોતાના વચનો યાદ અપાવવા માટે આ મહાસંમેલન મહત્વપૂર્ણ બનશે.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top