ભચાઉના કકરવા ગામે ગેરકાયદે ખનીજ ચોરી સામે ગ્રામજનોનો રોષ
July 08, 2026
0
એસઆઈટી તપાસ, રોયલ્ટી ઓડિટ અને તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ભીમ આર્મી દ્વારા ઉગ્ર આંદોલનની ચીમકી ભચાઉ તાલુકાના કકરવા ગામમાં છેલ્લા ઘણા વર્ષોથી ચાલી રહેલી કથિત ગેરકાયદે ખનીજ ચોરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ જિલ્લા તંત્ર સમક્ષ રજૂઆત કરીને કકરવા ગામની નદી અને આસપાસના વિસ્તારમાં થઈ રહેલી ખનીજ ચોરી તાત્કાલિક બંધ કરાવવા તેમજ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે ખનીજ ચોરી માટે ભારે અને ઓવરલોડ વાહનોનો સતત ઉપયોગ થતો હોવાથી ગામના આંતરિક રસ્તાઓ ભારે નુકસાન પામ્યા છે. ખાસ કરીને સરકારી શાળાના માર્ગ પરથી ભારે વાહનો પસાર થતાં વિદ્યાર્થીઓ, મહિલાઓ અને ગ્રામજનોના જીવને જોખમ ઊભું થયું છે તેમજ રોજિંદી અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે નદી વિસ્તારમાં સતત ખનીજ ઉપાડ થવાના કારણે કુદરતી સંપત્તિને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. સમગ્ર મામલે વિશેષ તપાસ માટે એસઆઈટી (Special Investigation Team) ની રચના કરવામાં આવે, ખનીજની રોયલ્ટી અને ગેરકાયદે ખનન અંગે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેમજ દોષિતો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.રજૂઆતમાં ચેતવણી પણ આપવામાં આવી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો "ભીમ આર્મી – ભારત એકતા મિશન" દ્વારા ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત તંત્રની રહેશે.ગ્રામજનોએ જિલ્લા વહીવટીતંત્ર અને ખનિજ વિભાગને કકરવા ગામની કુદરતી સંપત્તિનું સંરક્ષણ કરી ગેરકાયદે ખનીજ ચોરી પર તાત્કાલિક રોક લગાવવાની અપીલ કરી છે.
Share to other apps

