પૂર્વ કચ્છમાં ખનીજ ચોરી બેફામ, ખનિજ વિભાગ ઊંઘમાં? ભચાઉ નાયબ કલેક્ટરની કાર્યવાહીએ ઉઠાવ્યા સવાલો

0
ભચાઉ તાલુકાના લુણવા વિસ્તારમાં ભચાઉ નાયબ કલેક્ટરની સૂચનાના આધારે અધિકારીઓએ કાર્યવાહી કરીને ગેરકાયદેસર ખનીજ વહન કરતા બે વાહનો ડિટેઇન કર્યા હતા. આ કાર્યવાહી બાદ પૂર્વ કચ્છના ખનિજ વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે.લુણવા ઉપરાંત કકરવા, ભરૂડીયા, શિકારપુર, જાટાવાડ, ફતેહગઢ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયથી ખુલ્લેઆમ ખનીજ ચોરી ચાલી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દિવસ-રાત ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન અને પરિવહન થતું હોવા છતાં ખનિજ વિભાગ દ્વારા અસરકારક કાર્યવાહી થતી જોવા મળતી નથી.ભચાઉ નાયબ કલેક્ટરની ટીમે બે વાહનો પકડી પાડતાં સ્પષ્ટ થાય છે કે વિસ્તારમાં ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે. ત્યારે સવાલ એ છે કે પૂર્વ કચ્છના ખનિજ વિભાગને આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કેમ દેખાતી નથી? જો સ્થાનિક વહીવટી તંત્ર કાર્યવાહી કરી શકે છે, તો ખનિજ વિભાગ નિયમિત તપાસ અને કડક અમલવારી કેમ કરતું નથી?સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે લુણવા, કકરવા, ભરૂડીયા, શિકારપુર, જાટાવાડ, ફતેહગઢ સહિત તમામ સંવેદનશીલ વિસ્તારોમાં સંયુક્ત ચેકિંગ અભિયાન ચલાવી ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને તેમાં સંડોવાયેલા તત્વોને કાયદાનો પાઠ ભણાવવામાં આવે.ખનીજ સંપત્તિ રાજ્યની અમૂલ્ય મિલકત છે. તેની ચોરી રોકવાની જવાબદારી સંબંધિત વિભાગની છે. હવે જોવાનું એ રહેશે કે પૂર્વ કચ્છનો ખનિજ વિભાગ આ મામલે કડક કાર્યવાહી કરે છે કે પછી ગેરકાયદેસર ખનીજ ચોરી યથાવત ચાલુ રહે છે.
Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top