અહેવાલ: જયેશ ધેયડા
તંત્રની આંખમાં આવ્યા ચશ્મા? પડાણા નજીક સરકારી અને ગૌચર જમીન પરના કથિત દબાણો સામે કાર્યવાહી ક્યારે?
July 10, 2026
0
કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી જમીન પર થયેલા દબાણો દૂર કરવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ સ્થળોએ બુલડોઝર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને ધાર્મિક સ્થળો સહિતના દબાણો દૂર કરવામાં આવતા તંત્રની કામગીરી ચર્ચાનો વિષય બની છે. જોકે, આ દરમિયાન ગાંધીધામ તાલુકાના પડાણા નજીક સરકારી અને ગૌચર જમીન પર થયેલા કથિત મોટા પાયાના દબાણોને લઈને સ્થાનિકોમાં અસંતોષ અને અનેક પ્રશ્નો ઉભા થયા છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, અંજાર પ્રાંત અધિકારી દ્વારા તા. 13-01-2026ના રોજ ગુજરાત જાહેર જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-2020 હેઠળ સંબંધિત પક્ષોને નોટિસ આપી સ્વેચ્છાએ દબાણ દૂર કરવા સૂચના આપવામાં આવી હતી. નોટિસમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જો નિર્ધારિત સમયમર્યાદામાં દબાણ દૂર નહીં કરવામાં આવે તો સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને દબાણ દૂર કરવામાં આવશે.પરંતુ સ્થાનિકોનો દાવો છે કે નોટિસ આપ્યાને અંદાજે છ મહિના જેટલો સમય વીતી ગયો હોવા છતાં કથિત દબાણો હજુ પણ યથાવત છે. જેના કારણે લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું કાયદાનો અમલ દરેક માટે સમાન રીતે થઈ રહ્યો છે કે પછી માત્ર સામાન્ય લોકો અને નાના દબાણકારો સામે જ કાર્યવાહી કરવામાં આવે છે.પૂર્વ કચ્છમાં સરકારી અને ગૌચર જમીન પર હજારો એકર વિસ્તારમાં કથિત ગેરકાયદેસર દબાણો હોવાના આક્ષેપો લાંબા સમયથી થઈ રહ્યા છે. સ્થાનિકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે જો
તંત્ર પાસે આવા દબાણોની માહિતી છે, તો મોટા દબાણકારો સામે કાર્યવાહી કરવામાં વિલંબ કેમ થઈ રહ્યો છે? શું તમામ કેસોમાં સમાન માપદંડ અપનાવવામાં આવી રહ્યા છે?સ્થાનિકોમાં એવી પણ માંગ ઉઠી રહી છે કે જો પડાણા નજીકનું કથિત દબાણ ગેરકાયદેસર હોય તો તાત્કાલિક સ્થળ તપાસ કરીને કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવે અને જો દબાણ કાયદેસર હોય તો તેની સ્થિતિ અંગે પણ જાહેર સ્પષ્ટતા કરવામાં આવે, જેથી લોકોમાં ફેલાયેલી શંકાઓનો અંત આવે.હાલ સમગ્ર મામલે લોકોની નજર જિલ્લા કલેક્ટર, પ્રાંત અધિકારી અને સંબંધિત વિભાગોની આગામી કાર્યવાહી પર છે. લોકોની માંગ છે કે કાયદાનો અમલ કોઈપણ પ્રકારના ભેદભાવ વિના દરેક માટે સમાન રીતે થવો જોઈએ અને સરકારી જમીનનું રક્ષણ સુનિશ્ચિત કરવું જોઈએ.
Tags
Share to other apps

