સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પર રૂ.100ની લાંચ લેતા વનરક્ષક સહિત બે ઝડપાયા
August 25, 2026
0
કચ્છ જિલ્લામાં લાકડાં ભરેલા વાહનોની અવરજવર દરમિયાન વાહતુક પાસમાં સિક્કા કરી આપવા તથા રજીસ્ટરમાં નોંધ કરવા બદલ લાંચ માંગવામાં આવતી હોવાની મળેલી માહિતીના આધારે એ.સી.બી. ગાંધીધામ દ્વારા સફળ ડીકોય ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો.એ.સી.બી.ના જણાવ્યા મુજબ, સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટની ઓફિસ ખાતે તા. 24 ઓગસ્ટ 2026ના રોજ ડીકોય કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં લાંચની માંગણી અને સ્વીકારની રકમ રૂ.100 હતી, જે સમગ્ર રકમ એ.સી.બી. દ્વારા રિકવર કરવામાં આવી છે.આ કેસમાં બે વ્યક્તિઓને આક્ષેપિત કરવામાં આવ્યા છે. જેમાં જામનસા ઓસામણ સૈયદ, રહે. બુઢાર મોરા, તા. અંજાર, કચ્છ, ખાનગી વ્યક્તિ તેમજ હરેશભાઈ હેમરાજભાઈ ચૌધરી, વનરક્ષક, ભચાઉ નોર્મલ રેન્જ, કચ્છનો સમાવેશ થાય છે.એ.સી.બી.ને મળેલી રજૂઆતો મુજબ કચ્છ જિલ્લામાંથી લાકડાં ભરીને જતા વાહનોને સૂરજબારી ફોરેસ્ટ ચેકપોસ્ટ પરથી પસાર કરાવવા દરમિયાન વાહતુક પાસમાં સિક્કા કરવા તથા રજીસ્ટરમાં નોંધ કરવા બદલ રૂ.100થી રૂ.1,000 સુધીની ગેરકાયદેસર લાંચ માંગવામાં આવતી હોવાની હકીકત સામે આવી હતી.આ આધારે એક જાગૃત નાગરિકના સહકારથી ડીકોય ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યવાહી દરમિયાન આક્ષેપિત નં.1એ આક્ષેપિત નં.2ના કહેવા મુજબ વાહતુક પાસમાં સિક્કા કરી નોંધ કરી આપવા બદલ ડીકોયર પાસેથી રૂ.100ની લાંચની માંગણી કરી હતી અને લાંચ સ્વીકારતા એ.સી.બી.ની ટીમે તેને ઝડપી પાડ્યો હતો.સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.વી. ચૌધરી, કચ્છ (પૂર્વ) એ.સી.બી. પોલીસ સ્ટેશન, ગાંધીધામના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી હતી.
Share to other apps

