કાશીની પવિત્ર માટીના સંગમે ગાગોદરમાં સમરસતાનો અમૃત કુંભ છલકાયો
August 25, 2026
0
વાગડની ઐતિહાસિક અને ધર્મપ્રિય ધરા ગાગોદર ખાતે સંત શિરોમણી શ્રી રવિદાસજી મહારાજની જન્મસ્થળી વારાણસી (કાશી)થી લાવવામાં આવેલી પવિત્ર માટીની ભવ્ય કળશ યાત્રા યોજાઈ હતી. યાત્રા દરમિયાન ગામના રાજમાર્ગો પર ભક્તિના નારા અને સંતવાણીના સૂર ગુંજ્યા હતા, જેમાં આબાલ-વૃદ્ધ સહિત સર્વ સમાજના લોકો ભાવભેર જોડાયા હતા.સંત રવિદાસજી મહારાજે આપેલા ભેદભાવમુક્ત અને શોષણમુક્ત સમાજના ‘બેગમપુરા’ના આદર્શની પ્રેરણા સાથે યોજાયેલી આ યાત્રામાં સર્વ સમાજના લોકો ખભેખભા મિલાવીને જોડાયા હતા. જેના પગલે ગાગોદરની ધરા પર એકતા, સદ્ભાવ અને સામાજિક સમરસતાનો સંદેશ પ્રસરી રહ્યો હતો.યાત્રાના વિધિવત્ સમાપન બાદ કાશીથી લાવવામાં આવેલી પવિત્ર માટીને ગાગોદરના પૌરાણિક ગોરસર તળાવમાં શ્રદ્ધાપૂર્વક અને શાસ્ત્રોક્ત વિધિથી અર્પણ કરવામાં આવી હતી. કાશીની પવિત્ર માટી અને ગોરસરના જળના સંગમને આધ્યાત્મિક ચેતના તથા સામાજિક સૌહાર્દના પ્રતિક તરીકે નિહાળવામાં આવ્યો હતો.આ પ્રસંગે સંત રવિદાસજી મહારાજના ‘મન ચંગા તો કઠોતી મેં ગંગા’ના સંદેશને આત્મસાત કરી ભેદભાવમુક્ત, પ્રેમપૂર્ણ અને એકતાસભર સમાજના નિર્માણનો સંકલ્પ લેવામાં આવ્યો હતો. ગાગોદરમાં યોજાયેલી આ કળશ યાત્રા ભક્તિ સાથે સામાજિક સમરસતા અને માનવ એકતાનો પ્રેરણાદાયી સંદેશ આપી ગઈ હતી.
Share to other apps

