મોટી ચીરઈમાં ખાણખનીજ વિભાગની રેડ: લાખો ટન સાદી માટીની કથિત ગેરકાયદેસર ચોરી ઝડપાઈ
August 25, 2026
0
મોટી ચીરઈ ગામની સીમમાં આવેલા સર્વે નંબર-3ની જમીનમાં ગેરકાયદેસર રીતે સાદી માટીનો ઉપયોગ અને રોયલ્ટી ભર્યા વગર મોટા પ્રમાણમાં માટી ઉપાડવામાં આવતી હોવાની ફરિયાદ બાદ પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી.મળતી માહિતી મુજબ, સર્વે નંબર-3માં એકર 10 જેટલી જમીનમાં આવેલા મોટા ખાડાઓ પુરવા માટે જમીન માલિક દ્વારા પોતાના લાભાર્થે અન્ય સ્થળેથી સાદી માટી ગેરકાયદેસર રીતે ઉપાડવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ અંગે રોયલ્ટી ભર્યા વગર અને જરૂરી મંજૂરી વિના લાખો ટન માટીનો ઉપયોગ કરી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાની રજૂઆત કરવામાં આવી હતી.આ બાબતે એક જાગૃત નાગરિકે કચ્છ કલેક્ટર, મામલતદાર કચેરી ભચાઉ તેમજ પૂર્વ કચ્છ ખાણખનીજ વિભાગના અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી હતી. રજૂઆતને ધ્યાને લઈ તા. 25 ઓગસ્ટ, 2026ના રોજ ખાણખનીજ વિભાગના અધિકારીઓએ સ્થળની રૂબરૂ મુલાકાત લઈ સર્વે અને માપણી હાથ ધરી રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જાણવા મળે છે.હવે ખાણખનીજ વિભાગ દ્વારા આ મામલે આગળ કેટલી અને કેવા પ્રકારની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.જાગૃત નાગરિકે જણાવ્યું હતું કે, “મારી લેખિત અરજીને ધ્યાને લઈ તંત્ર દ્વારા સ્થળ તપાસ અને માપણી કરવામાં આવી છે. જો આ મામલે કાર્યવાહી કરવામાં ઢીલાશ રાખવામાં આવશે તો હું તમામ પુરાવા સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીશ અને જરૂર પડશે તો ન્યાયાલયના દરવાજા પણ ખખડાવીશ.”
Share to other apps

